Exclusive: વાવ થરાદમાં 800 એકરમાં આકાર લઈ રહ્યું છે ‘ગૌ અભયારણ્ય’, 50 હજાર ગૌવંશને મળશે આશ્રય | vav suigam banaskantha 800 acre gau abhayara project ramjibhai majithia

![]()
Gau Abhayara Project in Suigam: વાવ થરાદના સુઈગામમાં ગોલપ-નેસડા ગામમાં અને ભારત-પાકિસ્તાનની બોર્ડરથી 30 કિલોમીટર પહેલાં 800 એકર વિસ્તારમાં એક વિશાળ ‘ગૌ અભયારણ્ય’ આકાર લઈ રહ્યું છે, જે ગૌસેવાની દિશામાં એક ક્રાંતિકારી પગલું સાબિત થશે. કરોડોના ખર્ચે ગામના લોકો અને સમાજસેવકો દ્વારા આ પ્રોજેક્ટ માટે કામગીરી ચાલી રહી છે. ભવિષ્યમાં અહીં 50 હજારથી વધુ ગૌવંશ રહી શકશે. એટલું જ નહીં, ગૌવંશ માટે હાઈટેક હોસ્પિટલ, ગૌ છત્ર અને હજારો વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. અહીં ગાયો મુક્તપણે વિહાર કરી શકશે. નંદીઓ માટે પણ આ એક એવું સુરક્ષિત ‘ગામ’ છે, જ્યાં તેમને લાકડીનો ડર નહીં પણ સેવાની હૂંફ મળશે.
આ પ્રોજેક્ટ સાથે રામજીભાઈ મજિઠિયા પણ સંકળાયેલા છે, જેમણે ગુજરાત સમાચાર ડિજિટલને આ અંગે રસપ્રદ માહિતી આપી છે.
ગુજરાતનો કુલ 35% ગૌવંશ આ પ્રદેશમાં છે
રામજીભાઈના જણાવ્યા અનુસાર, દેશ આઝાદ થયો ત્યારે 54 કરોડ ગાય હતી, પરંતુ આઝાદીના 75 વર્ષ પછી આજે 4 કરોડ ગૌવંશ છે. જે ગૌવંશની સંખ્યા ઝડપથી ઘટી રહી છે, તે મુજબ આગામી 10-15 વર્ષ પછી ગાયોને જોવા માટે આપણાં બાળકો પ્રાણી સંગ્રહાલયમાં સિંહ જોવા જાય છે તેમ ગાયો જોવા જશે તેવો ભય છે. આ સંજોગોમાં આ ગૌ અભયારણ્ય અત્યંત અનિવાર્ય છે. આ અભયારણ્ય માટે વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના ગોલપ અને નેસડા ગામની 800 એકર ગૌચર જમીન પસંદ કરાઈ છે. અત્યાર સુધી 400થી વધુ એકર વિસ્તારમાં જમીન ચોખ્ખી કરાઈ છે. આગામી બે-ત્રણ વર્ષમાં આ અભયારણ્ય તૈયાર થઈ જશે. આ વિસ્તાર પસંદ કરવાનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતના કુલ ગૌવંશના 35% એકલા આ પ્રદેશમાં છે. આ પ્રોજેક્ટ ભારત-પાકિસ્તાન બોર્ડરથી માત્ર 30 કિ.મી. દૂર છે અને તે ગામના ટ્રસ્ટ સાથે મળીને વિકસાવાઈ રહ્યો છે, જેથી જમીન ગૌચર તરીકે જ રહે અને ગૌ સેવાનો પણ વિકાસ થાય.
રખડતા નંદીને કસાઈવાડે જતા બચાવી શકાશે
આ અભયારણ્યમાં આખલા પણ મુક્તપણે વિહરી શકશે. આ અંગે તેઓ કહે છે કે, આ અભયારણ્યનો મુખ્ય હેતુ ‘નંદી’ એટલે કે નર ગૌવંશની સેવા કરવાનો છે, જેની હાલત અત્યારે ખૂબ જ દયનીય છે. લોકો પથ્થરના નંદીની પૂજા કરે છે, પરંતુ જીવતા નંદીને લાકડી કે કુહાડા મારે છે. આ સંસ્થાનું લક્ષ્ય અહીં 50,000 જેટલા નંદી રાખવાનું છે, જેથી રસ્તા પર રખડતા અને ખેડૂતોના પાકને નુકસાન કરતા નંદીઓને સુરક્ષિત આશ્રય મળી શકે. આ રીતે આડકતરી રીતે પણ કસાઈવાડે જતાં પશુઓને બચાવી શકાશે.
જળચરો માટે પણ 3 સરોવર અને 2 ડેમ તૈયાર કરાશે
અહીં માત્ર ગૌસેવા જ નહીં, પરંતુ પર્યાવરણનું પણ જતન કરાશે. આ કેમ્પસમાં હજારોની સંખ્યામાં જેટલા વડ, પીપળો, લીમડો અને આંબલી જેવા વૃક્ષો વાવવાનું આયોજન છે. આ ઉપરાંત, જળચર જીવો માટે ત્રણ સરોવર અને બે ડેમ રિપેર કરાઈ રહ્યા છે, જેથી પશુ પક્ષીને અનૂકુળ કુદરતી વાતાવરણ મળી રહે. ગૌવંશના નિવાસ માટે ‘શેડ’ ને બદલે ‘ગૌછત્ર’ બનાવાઈ રહ્યા છે, જેમાં અત્યારે 1,000 ગાયો માટેની સુવિધા તૈયાર થઈ ગઈ છે.
ગૌવંશ માટે નેપિયર પદ્ધતિથી ઘાસની ખેતી કરાશે
ગૌવંશના ભરણપોષણ માટે અહીં વૈજ્ઞાનિક પદ્ધતિથી નેપિયર ઘાસની ખેતી કરાશે. શરૂઆતમાં 25 એકરમાં આ ઘાસ વાવવામાં આવશે, જે એકવાર વાવ્યા પછી 7 વર્ષ સુધી ચાલી શકે છે અને તે ખૂબ જ સસ્તું પડે છે. ભવિષ્યમાં ગૌવંશની સારવાર માટે અહીં એક હાઈટેક ગૌ હોસ્પિટલ પણ ઊભી કરાશે, જેમાં ડોક્ટરો અને જરૂરી તમામ સુવિધા હશે કારણ કે આટલી મોટી સંખ્યામાં પશુઓ હોય ત્યારે તેમની સ્વાસ્થ્ય સંભાળ અનિવાર્ય છે.
આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે આશરે 20 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરાયું છે, જેનો લક્ષ્યાંક 15,000થી 20,000 ગૌવંશને આશ્રય આપવાનો છે. આ માટે ભંડોળ એકત્ર કરવા આગામી 10 જાન્યુઆરીએ લોક ડાયરો તેમજ મે મહિનામાં ભાગવત કથાનું આયોજન છે. અત્યાર સુધીમાં અંદાજે 2 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે અને કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
સેક્સ સોર્ટેડ સિમેન પદ્ધતિથી 90% વાછરડી જન્મશે
અહીં સેક્સ સોર્ટેડ સિમેન પદ્ધતિને પ્રોત્સાહન અપાશે. આ પદ્ધતિથી 90% વાછરડી જ જન્મે છે, જેથી ભવિષ્યમાં રખડતા નંદીઓની સમસ્યા કુદરતી રીતે જ ઓછી થઈ શકે. આ ઉપરાંત, ગાયના છાણમાં વેલ્યુ એડિશન કરીને જમીન માટે ખાતર બનાવાશે, જે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપશે.
ભવિષ્યમાં અહીં ટુરિઝમ સેન્ટર બનશે, જે જોતા ચાર કલાક લાગશે
આ ગૌ અભયારણ્ય ભવિષ્યમાં એક મોટું ટુરિઝમ સેન્ટર પણ બનશે, જ્યાં પ્રવાસીઓ જીપમાં બેસીને આખું કેમ્પસ જોઈ શકશે. આ સમગ્ર વિસ્તાર જોવા માટે અંદાજે ચાર કલાક જેટલો સમય લાગશે. 100થી વધુ લોકોની ટીમ અત્યારે અહીં દિવસ-રાત કાર્યરત છે. આ પ્રોજેક્ટથી માત્ર ગાયોનું જ ભલું નહીં થાય, પરંતુ આસપાસના ગામડાંનો પણ આર્થિક અને સામાજિક વિકાસ થશે.



