‘વેનેઝુએલાની સ્થિતિ પર અમે ચિંતિત…’, માદુરોની ધરપકડ બાદ જયશંકરનું પ્રથમ મોટું નિવેદન | venezuela crisis jaishankar expresses indias concern urges nations to prioritise peoples safety

S. Jaishankar reaction on US-Venezuela Row: વેનેઝુએલામાં અમેરિકા દ્વારા કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી અને પ્રમુખ નિકોલસ માદુરોને કસ્ટડીમાં લેવાના અણધાર્યા ઘટનાક્રમ પર ભારત સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું છે કે, ભારત વેનેઝુએલાની વર્તમાન સ્થિતિને લઈને અત્યંત ચિંતિત છે અને તેમણે તમામ પક્ષોને લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે.
‘લોકોની ભલાઈ અમારી પ્રાથમિકતા’
લક્ઝમબર્ગમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન એસ. જયશંકરે કહ્યું કે, ‘અમે તાજેતરના ઘટનાક્રમથી ચિંતિત છીએ. અમે આ વિવાદમાં સામેલ તમામ પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ સાથે મળીને એવા ઉકેલ પર પહોંચે જે વેનેઝુએલાના લોકોની ભલાઈ અને સુરક્ષાના હિતમાં હોય. લોકોની ભલાઈ અમારી પ્રાથમિકતા છે.’
તેમણે વધુમાંકહ્યું હતું કે, ‘ભારત અને વેનેઝુએલા વચ્ચે વર્ષોથી ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે. ભારત ઈચ્છે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય, વેનેઝુએલાના લોકો સુરક્ષિત રહે અને આ સંકટમાંથી વહેલી તકે બહાર આવે.’
ભારતીય દૂતાવાસ એલર્ટ મોડ પર
ભારતીય વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, ‘કરાકાસમાં આવેલું ભારતીય દૂતાવાસ ત્યાં વસતા ભારતીય સમુદાયના સતત સંપર્કમાં છે. કોઈપણ પ્રકારની સહાય માટે દૂતાવાસ તૈયાર છે. ભારત સરકારે આ મુદ્દાને વાતચીત દ્વારા શાંતિપૂર્ણ રીતે ઉકેલવા અને પ્રદેશમાં સ્થિરતા જાળવી રાખવા પર ભાર મૂક્યો છે.’
શું છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે, 3 જાન્યુઆરીના રોજ અમેરિકાએ વેનેઝુએલામાં ‘ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’ અંતર્ગત મોટી સૈન્ય કાર્યવાહી કરી હતી. આ ઓપરેશન દરમિયાન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની અટકાયત કરવામાં આવી હતી. હાલમાં માદુરો ન્યૂયોર્કની જેલમાં બંધ છે અને સોમવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હાલમાં વેનેઝુએલામાં ડેલ્સી રોડ્રિગ્ઝ વચગાળાના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે.




