પોલીસ કર્મીઓએ આંત્રોલીના યુવકને માર મારી અને જબરજસ્તીથી દારૂ પીવડાવ્યાના આક્ષેપથી ખળભળાટ | allegedly beat up a youth from Antroli and forced him to drink alcohol causing a stir

![]()
– કપડવંજમાં દારૂની બાતમી આપનાર આંત્રોલીના યુવકને પોલીસનો કડવો અનુભવ
– યુવકે દારૂની ભઠ્ઠી અંગે હેલ્પલાઈન પર જાણ કરતા જમાદાર અને કોન્સ્ટેબલે યુવક સામે જ પ્રોહિબિશનનો ખોટો કેસ કરી વીડિયો ડિલીટ કરાવ્યો, રૂ. ૨૦૦ રોકડ પડાવી લીધાની અરજી
નડિયાદ : કપડવંજ તાલુકાના આંત્રોલી ગામે રહેતા અને ખેતીકામ કરતા એક યુવકે પોલીસ હેલ્પલાઈન નંબર ૧૧૨ પર દારૂની ભઠ્ઠી અંગે બાતમી આપી હતી. જોકે, પોલીસ દ્વારા દારૂ ગાળતા શખ્સો સામે કાર્યવાહી કરવાને બદલે બાતમીદારને જ ઉપાડી લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. આરોપી પોલીસ કર્મચારીઓએ યુવકને જબરજસ્તી દારૂ પીવડાવી તેની સામે પ્રોહિબિશનનો ખોટો કેસ કર્યો હોવાની અને રોકડ રકમ પડાવી લીધી હોવાના આક્ષેપ સાથે આતરસુંબા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી છે.
આંતરસુબા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં આપવામાં આવેવી અરજી મુજબ, આંત્રોલી ગામના પરમાર વગો વિસ્તારમાં રહેતા ઉમેશભાઈ અભેસિંહ પરમારે ગત તારીખ ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બપોરના આશરે ૧ઃ૩૦ વાગ્યાની આસપાસ પોલીસ હેલ્પલાઈન નંબર ૧૧૨ પર ફોન કર્યોે હતો અને ગામના એક વિસ્તારમાં પાસે એક શખ્સ જાહેરમાં દારૂની ભઠ્ઠી ચલાવી રહ્યો હોવાની બાતમી તેમણે આપી હતી. આ બાતમી બાદ આંત્રોલી આઉટ પોસ્ટના જમાદાર યાજ્ઞિાકભાઈ અને કોન્સ્ટેબલ હરપાલસિંહ બાઈક લઈને સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં જઈને પોલીસ કર્મચારીઓએ દારૂ ગાળતા શખ્સને પકડવાને બદલે ફરિયાદી ઉમેશભાઈને ‘સાલા ખોટા ફોન કેમ કરે છે’ તેમ કહી માર મારવાનું શરૂ કર્યું હતું. જમાદારે પોતે દરેક દારૂના ભઠ્ઠા પરથી હપ્તા ઉઘરાવે છે તેમ કહી યુવકને જબરજસ્તી બાઈક પર બેસાડયો હતો અને રસ્તામાં દેશી દારૂની પોટલી તેના મોઢામાં ઘાલી દીધી હતી.
ત્યારબાદ યુવકને આંત્રોલી આઉટ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં જીઆરડી જવાન વિક્રમભાઈ હાજર હતા. ત્યાં કોન્સ્ટેબલ અને જીઆરડી જવાને યુવકને પકડી રાખ્યો હતો અને જમાદારે તેનું નાક પકડી મોઢામાં જબરજસ્તી દારૂ નાખી દીધો હતો. યુવક પાસે દારૂ ગાળતા શખ્સનો વીડિયો હોવાથી પોલીસે ધાક-ધમકી આપી તેનો મોબાઈલ અનલોક કરાવ્યો હતો અને તે વીડિયો ડિલીટ કરી નાખ્યો હતો. એટલું જ નહીં, યુવકના ખિસ્સામાં રહેલ ૧૦૦-૧૦૦ના દરની બે નોટો મળી કુલ ૨૦૦ રૂપિયા પણ જબરજસ્તી કાઢી લેવામાં આવ્યા હતા હોવાનો અને પોલીસે યુવક સામે દારૂ પીધેલો હોવાનો ખોટો કેસ ઊભો કરી તેને બપોરના ૩ઃ૩૦ વાગ્યાથી રાત સુધી ગેરકાયદેસર અટકાયતમાં રાખ્યો હોવાનો લેખિત અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છેે.
આરોપી પોલીસ કર્મચારીઓએ ધમકી આપી હતી કે, જો આ બાબતે કોઈને જાણ કરીશ તો ગાંજા અને ચરસના ખોટા કેસ કરી જીંદગી બગાડી નાખીશું. રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે યુવકને ઘર પાસે મુકી ગયા બાદ તેને શરીરમાં દુખાવો થતા ૧૦૮ મારફતે કપડવંજની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ અંગે ઉમેશભાઈએ આતરસુંબા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે અને તેની નકલ ડીવાયએસપી કચેરી તેમજ એસીપીનેને પણ રવાના કરી છે. યુવકે કરેલી આ અરજીને પગલે પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.
એ યુવક પર અગાઉ પીધેલાના કેસ થયેલા છે : પી.એસ.આઈ.
આ સમગ્ર મામલે આતરસુંબા પોલીસ મથકના પી.એસ.આઈ. એમ.એમ. દેસાઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ફરિયાદ નહીં, આવી અરજી આવેલી છે. જે સંદર્ભે અરજદારનું નિવેદન પણ લીધેલું છે. પરંતુ આ અરજી બિલકુલ ખોટી ઉપજાવી નાખેલી છે. અરજદાર પર અગાઉ ૨-૩ દારૂ પીધો હોવાના કેસ થયેલા છે. તેમના આક્ષેપ બિલકુલ ખોટા છે.



