નેપાળમાં હિન્દુનું અપમાન કરતો વીડિયો વાયરલ, મસ્જિદમાં તોડફોડ બાદ હિંસા | Video insulting Hindu goes viral in Nepal violence after vandalism at mosque

![]()
– ભારતની નેપાળ સરહદે સૈન્યને એલર્ટ કરવું પડયું
– ટોળાને વિખેરવા આંસુ ગેસ, લાઠીચાર્જનો મારો : અનેક વિસ્તારોમાં કરફ્યૂ લાગુ કરીને અંતે સ્થિતિ કાબુમાં લેવાઇ
કાઠમાંડુ : બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર વચ્ચે હિન્દુ બહુમતીવાળા દેશ નેપાળમાં ભારે દેખાવો યોજાયા હતા. નેપાળના બીરગંજમાં એક મસ્જીદ ઉપર હુમલો કરી ત્યાં તોડફોડ કરવામાં આવી હતી જે બાદ સ્થિતિ વકરી હતી. હિંસાને પગલે બીરગંજમાં કરફ્યુ લગાડી દેવામાં આવ્યો હતો જોકે બાદમાં તેને હટાવાઇ લેવાયો છે. આ જિલ્લો ભારતની સીમાને સ્પર્શીને રહેલો હોઈ ભારતે હાઈ એલર્ટ જારી કર્યો છે.
પ્રાપ્ય માહિતી મુજબ હૈદરઅલી અંસારી અને અમાનત અંસારી નામના બે યુવકોએ એક વીડીયો શેર કર્યો હતો જેથી હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચતાં આ તોફાનો ફાટી નીકળ્યાં હતાં. તે બંને યુવાનોને પોલીસે કસ્ટડીમાં પણ લીધા છે. આમ છતાં તંગદિલી વધી ગઈ અને બીરગંજના કમલા વિસ્તારમાં હિન્દુઓએ મસ્જિદમાં ઘૂસી જઈ તોડફોડ કરી હતી. ટિક-ટોક ઉપર વીડીયો વાયરલ થયો તે સાથે ભાત ભાતની અફવાઓએ પણ જોર પકડયું. આ સાથે સમગ્ર બીરગંજમાં હાઈ-એલર્ટ પણ જાહેર કરાયો. કરફ્યુ પણ લાદવામાં આવ્યો છતાં, ટોળાં બહાર નીકળ્યાં હતાં અને સામસામે પથ્થરબાજી શરૂ થઈ હતી. બીરગંજ ભારતની સીમાની નજીક હોય ભારતે પણ તે વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કર્યો છે.
બીરગંજ વિસ્તારમાં લોકો દ્વારા હિંસક વિરોધ પ્રદર્શન કરાયું હતું જેના પર કાબુ મેળવવા બાદમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ અને આંસુ ગેસનો ઉપયોગ કરાયો હતો. બાદમાં ભારતીય સરહદે એલર્ટ જારી કરાયું હતું, દક્ષિણ નેપાળમાં સરહદે અવર જવર રોકવા માટે ભારતીય સરહદને સીલ કરી દેવી પડી હતી. હિંસાની ઘટનાઓ બાદમાં શાંત પડી ગઇ હતી અને સ્થિતિ પર કાબુ મેળવી લેવાયો હતો, જેને પગલે જે પણ વિસ્તારોમાં કરફ્યૂ લદાયો હતો તેને હટાવી લેવાયો હતો. જોકે તેમ છતા હાલ પ્રશાસન દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.


