7 થી 12 જાન્યુઆરી સુધી ગુજરાતના તમામ પોલીસકર્મીઓની રજા રદ, PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને નિર્ણય | all policemen Leave cancelled from January 7 to 12 Gujarat

Gandhinagar News: આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અને વિવિધ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસ વિભાગ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવી રાખવા માટે 7 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી, 2026 સુધી તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે, જે કાર્યક્રમ 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી આયોજિત કરાઈ રહ્યો છે. આ ચાર દિવસીય આયોજનમાં આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક ગતિવિધિઓની શ્રૃંખલા ચાલશે.
રજા પર ગયેલા કર્મચારીઓને પરત બોલાવાયા
ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) ની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર મુજબ, વડાપ્રધાન મોદીના આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં કાર્યક્રમો યોજાવાના છે. આ કાર્યક્રમોમાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવાના ભાગરુપે 7 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી તમામ પ્રકારની રજાઓ પર રદ રહેશે. જે અધિકારીઓ કે કર્મચારીઓ હાલમાં રજા પર છે, તેમને તાત્કાલિક પોતાની ફરજ પર પરત હાજર થવા આદેશ અપાયો છે. માત્ર ખાસ અનિવાર્ય સંજોગોમાં જ રજાની વિચારણા કરવામાં આવશે.




