રેલવેમાં મોટી ભરતીની જાહેરાત: 10 પાસ યુવાઓને તક, 22 હજાર જગ્યાઓ પર વેકેન્સી, જાણો કેટલી મળશે સેલેરી | Indian Railways Group D Vacancies 2026 Approves For Level 1 Post 22000 Vacancies Job Recruitment

Indian Railway Vacancy : રેલવેમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા યુવાનો માટે વર્ષના અંતે મોટા સમાચાર સામે આવ્યા છે. રેલ મંત્રાલયે ગ્રુપ ડી (લેવલ-1) અંતર્ગત 22000થી વધુ નવી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયાને લીલી ઝંડી આપી દીધી છે. આ ભરતી દ્વારા એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ, ટ્રાફિક અને સિગ્નલ એન્ડ ટેલિકોમ જેવા મહત્ત્વના વિભાગોમાં 11 અલગ-અલગ શ્રેણીઓમાં નિમણૂકો કરવામાં આવશે.
કયા પદ પર કેટલી ભરતી?
રેલવે બોર્ડના જણાવ્યા અનુસાર, સૌથી વધુ 11000 જેટલી જગ્યાઓ ટ્રેક મેન્ટેનર ગ્રેડ-IV માટે રાખવામાં આવી છે. આ ઉપરાંત પોઈન્ટ્સમેન-બી, આસિસ્ટન્ટ (બ્રિજ), આસિસ્ટન્ટ (ટ્રેક મશીન), આસિસ્ટન્ટ લોકો શેડ અને આસિસ્ટન્ટ ઓપરેશન્સ જેવા ટેકનિકલ અને બિન-ટેકનિકલ પદોનો સમાવેશ થાય છે. રેલવેના વિવિધ ઝોન મુજબ જગ્યાઓની ફાળવણી કરી દેવામાં આવી છે, જેમાં પૂર્વ મધ્ય રેલવેમાં 993 અને દક્ષિણ પૂર્વ રેલવેમાં 1199 જગ્યાઓ ભરવામાં આવશે.

રેલવે ગ્રુપ-Dની આ ભરતી માટે ઉમેદવારોની લાયકાત અને વય મર્યાદા
1… શૈક્ષણિક લાયકાત : ઉમેદવાર માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી માત્ર 10મું પાસ હોવો જોઈએ. મહત્ત્વની વાત એ છે કે હવે આ ભરતી માટે ITI ફરજિયાત નથી.
2… વય મર્યાદા : ઉમેદવારની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 36 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
3… પસંદગી પ્રક્રિયાના તબક્કા : રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા ચાર તબક્કામાં (કોમ્પ્યુટર આધારિત લેખિત પરીક્ષા, શારીરિક ક્ષમતા કસોટી, દસ્તાવેજ ચકાસણી, મેડિકલ ટેસ્ટ) પસંદગી કરવામાં આવશે.
4… શારીરિક કસોટીમાં પુરુષ ઉમેદવારોએ 35 કિલો વજન સાથે 100 મીટરનું અંતર બે મિનિટમાં કાપવાનું રહેશે, જ્યારે મહિલા ઉમેદવારોએ 20 કિલો વજન સાથે આ અંતર કાપવાનું રહેશે. આ ઉપરાંત 1000 મીટરની દોડ પણ પાસ કરવી પડશે.
ક્યારે આવશે સત્તાવાર જાહેરાત?
સૂત્રોના જણાવ્યા અનુસાર, રેલવે ભરતી બોર્ડ દ્વારા આ ભરતીનું સત્તાવાર જાહેરનામું જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં પ્રસિદ્ધ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. ઉમેદવારોએ લેટેસ્ટ અપડેટ માટે RRBની સત્તાવાર વેબસાઈટ જોતા રહેવાની સલાહ આપવામાં આવી છે.

