પ્રેમી સાથે લગ્ન કરવા વિઝા વિના પાકિસ્તાન જતી રહેલી મહિલા અંગે લેવાયો મોટો નિર્ણય | wagah border preparations halted pakistan refuses to deport sarbjit kaur to india know the full case

Sarabjit Kaur Case: પાકિસ્તાને પંજાબની 48 વર્ષીય શીખ મહિલા સરબજીત કૌરને ભારત પાછા મોકલવાની પ્રક્રિયા છેલ્લી ઘડીએ અટકાવી દીધી છે. સરબજીત કૌર પાકિસ્તાનમાં તેના પ્રેમી સાથે લગ્ન કર્યા પછી ગેરકાયદેસર રીતે રહેતી હોવાનો મામલો સામે આવ્યો હતો. જોકે તેને ડિપોર્ટ કરવા માટેની તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ હોવા છતાં તેને પાકિસ્તાનમાં જ રોકી દેવામાં આવી છે.
પાકિસ્તાન પહોંચ્યા બાદ સરબજીત કૌર થઈ ગુમ
4 નવેમ્બરે પાકિસ્તાન પહોંચ્યા પછી સરબજીત ગાયબ થઈ હતી સરબજીત કૌર ભારતીય શીખ શ્રદ્ધાળુઓના એક મોટા સમૂહ સાથે 4 નવેમ્બર, 2025ના રોજ પાકિસ્તાન ગઈ હતી. તે બાબા ગુરુ નાનક દેવજીની 556મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવા નનકાના સાહિબ પહોંચી હતી. પરંતુ જ્યારે આ સમૂહ તીર્થયાત્રા પૂરી કરીને ભારત પરત ફર્યો ત્યારે સરબજીત સાથે નહોતી. તે પાકિસ્તાનમાં જ ક્યાંક ગુમ થઈ ગઈ હતી.
પાકિસ્તાની પ્રેમી માટે ઇસ્લામ કબૂલ કર્યો
બીજા જ દિવસે એટલે કે 5 નવેમ્બર, 2025ના રોજ સરબજીતે ઇસ્લામ અંગીકાર કર્યો અને તેના પ્રેમી નાસિર હુસૈન(જે પાકિસ્તાની નાગરિક છે) સાથે નિકાહ કરી લીધા. લગ્ન પછી તેણે પોતાનું નામ બદલીને ‘નૂર હુસૈન’ રાખ્યું હતું. આ બંને ઘણા દિવસો સુધી છુપાયેલા રહ્યા હતા.
આ દરમિયાન, પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પૂર્વ ચેરમેન સરદાર મોહિન્દરપાલ સિંહે લાહોર હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં જણાવાયું હતું કે સરબજીત કૌરના વિઝા નવેમ્બર 2025માં જ પૂરા થઈ ગયા હતા, તેથી તે પાકિસ્તાનમાં ગેરકાયદેસર રીતે રહી રહી છે.
FIA અને કાયદાકીય નિયમો હેઠળ કાર્યવાહી તેજ
પાકિસ્તાની કોર્ટે રિપોર્ટ માંગ્યો સરદાર મોહિન્દરપાલ સિંહની અરજીમાં ‘ફોરેનર્સ એક્ટ 1946’ અને ‘ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી'(FIA)ના નિયમો હેઠળ સરબજીત કૌરને ભારત ડિપોર્ટ કરવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે આ મામલે કેબિનેટ ડિવિઝન, પોલીસ ચીફ અને અન્ય અધિકારીઓ પાસે રિપોર્ટ માંગ્યો છે.
જાણવા મળ્યું છે કે સરબજીત કૌર અને નાસિર હુસૈનની 4 જાન્યુઆરી, 2026ના રોજ નનકાના સાહિબ પાસેના પેહરેવાલી ગામમાંથી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓની સંયુક્ત ટીમે ધરપકડ કરી હતી.
પાકિસ્તાને ડિપોર્ટેશન કેમ અટકાવ્યું?
અરજીકર્તાના વકીલ અલી ચંગેઝી સિંધુએ જણાવ્યું કે પોલીસ અને ઇવેક્યુઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના અધિકારીઓએ સરબજીત કૌર અને નાસિર હુસૈનને FIAને સોંપ્યા હતા. 5 જાન્યુઆરી, 2026ની સાંજે વાઘા બોર્ડર પર તેને ડિપોર્ટ કરવાની તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી, પણ બરાબર એ જ સમયે પ્રક્રિયા અટકાવી દેવામાં આવી. પાકિસ્તાની અધિકારીઓએ ડિપોર્ટેશન રોકવાનું કોઈ કારણ હજુ સુધી આપ્યું નથી.
સરબજીત કૌર કેસ સાથે જોડાયેલી ખાસ વાતો
– સરબજીત કૌરનું નામ ભારતમાં છેતરપિંડીના કેટલાક કેસોમાં હતું, પરંતુ તે તમામ કેસમાંથી તે નિર્દોષ છૂટી ચૂકી છે.
– આ મામલો ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં ભારે ચર્ચામાં છે અને હવે તે બે દેશો વચ્ચેનો રાજદ્વારી મુદ્દો બની ગયો છે.
– હાલમાં સરબજીત કૌર અને તેનો પતિ FIAની કસ્ટડીમાં છે અને લાહોર હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ગુરુદ્વારા યાત્રા દરમિયાન થયેલા લગ્ન અને ધર્મ પરિવર્તનને કારણે આ ઘટના ખૂબ જ ચર્ચાસ્પદ રહી છે. હવે આગળ શું થશે તેનો નિર્ણય કોર્ટની કાર્યવાહી પર નિર્ભર રહેશે.




