સમગ્ર દેશમાં વૈજ્ઞાનિક અભ્યાસ અને નવીન વિચારધારાને પ્રોત્સાહન આપતી નેશનલ સ્ટેમ 4.0 ક્વિઝનો 7મીએ પ્રાથમિક રાઉન્ડ યોજાશે | Jamnagar: The primary round of the National STEM 4 0 Quiz will be held on January 7

![]()
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ‘નેશનલ સ્ટેમ ક્વીઝ 4.0’ના પ્રિલિમનરી રાઉન્ડનું આયોજન આગામી 7 જાન્યુઆરી, 2026ના રોજ કરવામાં આવ્યું છે. આ ઓનલાઇન ક્વિઝમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યો અને બોર્ડના ધોરણ 9થી 12ના 15,01,249 જેટલા વિદ્યાર્થીઓએ નોંધણી કરાવીને એક નવો વિક્રમ સ્થાપ્યો છે.
આ ઓનલાઇન ક્વિઝ 7 જાન્યુઆરીના રોજ સવારે 11:00થી બપોરે 12:30 દરમિયાન યોજાશે. જામનગર જિલ્લામાં શ્રી એમ .ડી .મેહતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ શકે તે માટે જિલ્લાના 7 તાલુકા મથકોએ 70 સેન્ટરો પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં જામનગર ,જામનગર ગ્રામ્ય, જોડિયા,જામજોધપુર ,લાલપુર ,ધ્રોલ, કાલાવડ સહિતના તમામ તાલુકાઓની શાળાઓના વિદ્યાર્થીઓ જોડાશે.
આ નેશનલ સ્ટેમ ક્વીઝનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને જિજ્ઞાસા કેળવવાનો છે. આ સ્પર્ધાના વિજેતાઓ માટે કુલ 2 કરોડ રૂપિયા સુધીના ઈનામો જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સફળ વિદ્યાર્થીઓને ભારતની પ્રખ્યાત વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત લેવાની અને ત્યાં ‘બુટકેમ્પ’માં સહભાગી થવાની અમૂલ્ય તક પ્રાપ્ત થશે.
આ ક્વિઝ ખુબ જ સારી અને સરળ રહે અને કોઈ ટેકનેકિલ ઇસ્યુ આવે તો તેના નિરાકરણ માટે તમામ તાલુકા મથકે સેન્ટર રાખેલ છે. જયારે મુખ્ય મોડલ સેન્ટર તરીકે શ્રી એમ. ડી . મહેતા ધ્રોલ પર 10 સભ્યોની ટીમ કાર્યરત કરેલ છે . આ ટીમના નેતૃત્વ હેઠળ સંજય પંડયા (9979241100) (9328611171) (9726777491) સતત મોનિટરિંગ કરી રહ્યા છે.
આ ક્વીઝ માત્ર એક સ્પર્ધા નથી પરંતુ આવતીકાલના યુવા સંશોધકોને તૈયાર કરવાની દિશામાં એક ઐતિહાસિક પહેલ છે. જામનગર જિલ્લાની સિદ્ધિ માટે વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાંથી કુલ 57,477 વિદ્યાર્થીઓએ આ ક્વિઝ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ સંખ્યા જિલ્લાની શૈક્ષણિક જાગૃતિ અને વિદ્યાર્થીઓની વિજ્ઞાન પ્રત્યેની રુચિ દર્શાવે છે. આ પરીક્ષાનો પ્રથમ રાઉન્ડ સંપૂર્ણપણે ઓનલાઇન માધ્યમ દ્વારા યોજાનાર છે.



