गुजरात

ગુજરાત યુનિવર્સિટી પદવીદાન: 10% દ્રષ્ટિ ધરાવતી ધૈર્યાને 7 ગોલ્ડ મેડલ, રવિના રાજપુરોહિત ટોપર | Gujarat University 74th convocation ceremony Dhairya Mankad Ravina Rajpurohit won the most medals



Ahmedabad News: આજે ગુજરાત યુનિવર્સિટીમાં 74મો પદવીદાન સમારંભ યોજાયો, જેમાં 40,800 જેટલા વિદ્યાર્થીઓ પદવી એનાયત કરવામાં આવી, જેમાં 350 વિદ્યાથીઓને ગોલ્ડ મેડલ પણ મળ્યા, આ સાથે ગૌરવ પુરસ્કારની પણ જાહેરાત કરી પ્રદાન કરવામાં આવ્યા. LLBમાં 8 મેડલ સાથે રવિના રાજપુરોહિત ટોપર બની તો ધૈર્યા માંકડે માત્ર 10 ટકા દ્રષ્ટિ હોવા છતાં સાત ગોલ્ડ મેડલ જીતી પ્રેરણાદાયી સફળતાનો નવો અધ્યાય રચ્યો. 

‘ક્લાસિકલ મ્યુઝિકની 10 વર્ષ ટ્રેનિંગ લીધી’: ધૈર્યા માંકડ

ધૈર્યા માંકડે જણાવ્યું કે, ‘ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અહીં ગુજરાત યુનિવર્સિટીમાં જ છે, તે કેમ્પસમાંથી જ મેં માસ્ટર પરફોર્મિંગ આર્ટસ કર્યું , તેના છેલ્લા વર્ષમાં  પહેલા રેન્ક આવવાથી મને એક સુવર્ણચંદ્રક મળેલો છે, નાનપણથી જ હું ક્લાસિકલ મ્યુઝિક ગાતી હતી અને શીખતી હતી અને પંડિત જસરાજીના શિષ્ય પંડિત કૃષ્ણકાંત પરીખ મારા ગુરુજી હતા, તેમની નિશ્રામાં મેં લગભગ 10 વર્ષ ટ્રેનિંગ લીધી અને ઘણા કાર્યક્રમો પણ કર્યા છે. અહીંયા સપ્તક દ્વારા જે યુવા કલાકારો માટે સંકલ્પ સપ્તાહ થતું હોય છે ઓક્ટોબરમાં એમાં પણ મેં 2024માં પ્રસ્તુતિ કરી છે અને ઘણી જગ્યાએ ડિવોશનલ મ્યુઝિક (ભક્તિ સંગીત) પણ ગાઉ છું અને મેં B.A અને M.A પણ સંસ્કૃતમાં કર્યું અને એમાં પણ મને ત્રણ ત્રણ સુવર્ણચંદ્રક મળેલા છે એટલે કુલ સાત સુવર્ણચંદ્રક મળ્યા છે.’

‘આંખમાં વિઝન છે પણ માત્ર 10 ટકા’

ધૈર્યાએ પોતાના સંઘર્ષની સફર વિશે જણાવતા કહ્યું કે, ‘ચેલેન્જ ખાસ તો વિઝનના લીધે કહી શકાય, કારણ કે મારે એક જ જમણી આંખમાં વિઝન છે અને એ પણ 10% જ છે. એટલે મારે વાંચવા માટે મોટી બારી જોઈએ અને વધારે અજવાળું હોય તો હું થોડું વાંચી શકું. જો વરસાદ જેવું વાતાવરણ હોય તો થોડું વાંચવામાં તકલીફ પડે, પણ તડકો હોય તો હું વાંચી વાંચી લેતી, જેથી અત્યાર સુધી મેં જેટલી પણ પરીક્ષા આપી છે તે રાઈટરની મદદથી જ આપી છે, આ મારા માટે ખૂબ યાદગાર ક્ષણ છે, મને વી. નારાયણજી ચેરમેનના હસ્તે સુવર્ણચંદ્રક મળેલો છે જેથી ખૂબ ખુશ છું, હજુ પણ આગળ સંગીતની સેવા અને તે ક્ષેત્રમાં મારું યોગદાન આપવા ઈચ્છું છું’

આ પણ વાંચો: લેન્ડલાઇન ફોન હવે લુપ્ત થવાની અણીએ, ગુજરાતમાં ફક્ત 61000 કનેક્શન જ રહી ગયા

પડોશીએ પત્ર સ્વીકાર્યો હતો: ટોપર રવિના

ટોપર રહેલી રવિના રાજપુરોહિતે જણાવ્યું કે, તેને LLBના ત્રીજા વર્ષમાં સેમેસ્ટર 5 અને 6 દરમિયાન ગુજરાત યુનિવર્સિટીમાં ટોપર રહેવા બદલ કુલ 8 મેડલ્સ પ્રાપ્ત થયા છે. ગયા વર્ષે તેનો છઠ્ઠો રેન્ક હતો, પરંતુ આ વખતે સૌથી વધુ મેડલ્સ મેળવીને ખૂબ જ આનંદિત અને પ્રભાવિત છે. આ સિદ્ધિ પત્ર ઘરે આવ્યો ત્યારે તે હાજર ન હતી અને પડોશીએ તે પત્ર સ્વીકાર્યો હતો; જોકે પત્ર ગુજરાતીમાં હોવાથી તે શરૂઆતમાં થોડી મૂંઝવણમાં હતી, પરંતુ આ સફળતાથી તેનો આખો પરિવાર અત્યંત ખુશ અને ગૌરવ અનુભવી રહ્યો છે.’



Source link

Related Articles

Back to top button