ધ્રૂજાવીદેનારી ઘટના: ‘મેં મારી મમ્મી, બહેન અને ભાઈને મારી નાખ્યા…’, હત્યારાએ પોલીસ સ્ટેશન પહોંચીને કર્યો ખુલાસો | Accused kills his mother sister and brother reaches police station in Delhi

![]()
Delhi News : દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં ત્રિપલ મર્ડરની ધ્રૂજાવીદેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ તેની માતા, બહેન અને ભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોતાના પરિવારના સભ્યોની હત્યા કર્યા બાદ આરોપી ખુદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ પછી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, દિલ્હીના લક્ષ્મીનગરમાં એક શખસ પોતાના પરિવારની હત્યા કર્યા બાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને જણાવ્યું હતું કે, ‘મેં મારી મમ્મી, બહેન અને ભાઈને મારી નાખ્યા…’ હત્યાના કેસ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ છે. જેમાં પોલીસ જાણવાના પ્રયત્ન કરી રહી છે કે, આરોપીએ ચોંકાવનારી ઘટનાને અંજામ કેમ આપ્યું.
સમગ્ર મામલે પોલીસ અધિકારીનું કહેવું છે કે, ઘટનાની માહિતી મળતાં પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
હત્યાના બનાવને લઈને પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે ઘરને સીલ કરી દીધું છે અને નજીકના રહેવાસીઓની પૂછપરછ કરી રહી છે. પુરાવા એકત્ર કરવા માટે ફોરેન્સિક ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે, તપાસ અને પૂછપરછ પછી જ હત્યા પાછળનો સાચો હેતુ જાણી શકાશે.



