दुनिया

વેનેઝુએલા પર હુમલો ટ્રમ્પની નવી વ્યૂહનીતિ! રશિયા-ચીનને ‘ચેતવણી’, જાણો ભારત પર શું અસર થશે | trump new policy venezuela attack message to russia china india impact


US Russia China Venezuela conflict: ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ડિસેમ્બર 2025માં પોતાની નવી રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહ રચનાને મંજૂરી આપી, જેને ‘ટ્રમ્પ કોરોલરી’ (Trump Corollary) નામ આપવામાં આવ્યું છે. આ નવી નીતિ છેલ્લા 100 વર્ષમાં પશ્ચિમ ગોળાર્ધમાં અમેરિકાની શક્તિ પ્રદર્શિત કરવાનો સૌથી આક્રમક પ્રયાસ માનવામાં આવે છે. આ નીતિની પ્રથમ મોટી અસર 3 જાન્યુઆરી, 2026ના રોજ જોવા મળી, જ્યારે અમેરિકન સૈનિકોએ વેનેઝુએલામાં લશ્કરી ઓપરેશન કરીને પ્રમુખ નિકોલસ માદુરોને કસ્ટડીમાં લઈ લીધા.

શું છે ‘ટ્રમ્પ કોરોલરી’?

આ નવી નીતિ 1823ની મૂળ ‘મુનરો ડોક્ટ્રિન’ અને ત્યારબાદ આવેલી ‘રૂઝવેલ્ટ કોરોલરી’ના પાયા પર તૈયાર કરવામાં આવી છે, જે અમેરિકાને એક ‘આંતરરાષ્ટ્રીય પોલીસ પાવર'(International Police Power) તરીકે પ્રસ્થાપિત કરે છે. આ વ્યૂહરચના હેઠળ, પશ્ચિમ ગોળાર્ધ એટલે કે સમગ્ર અમેરિકન ખંડમાં અમેરિકાનું નિર્વિવાદ વર્ચસ્વ જાળવી રાખવું એ તેની રાષ્ટ્રીય સુરક્ષા માટેની સૌથી અનિવાર્ય શરત ગણવામાં આવી છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય રશિયા, ચીન અને ઈરાન જેવી બાહ્ય શક્તિઓના વધતા પ્રભાવને આ વિસ્તારમાંથી સંપૂર્ણપણે નાબૂદ કરવાનો અને આ દેશોને અમેરિકન સીમાઓથી દૂર રાખવાનો છે.

વેનેઝુએલામાં લશ્કરી કાર્યવાહી અને માદુરોની ધરપકડ

3 જાન્યુઆરી, 2026ના રોજ અમેરિકન સ્પેશિયલ ફોર્સે વેનેઝુએલા પર હવાઈ હુમલા કર્યા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કબજો જમાવ્યો. પ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્નીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ટ્રમ્પ પ્રશાસને આ કાર્યવાહીને ‘નાર્કો-ટેરરિઝમ'(ડ્રગ કાર્ટેલ) વિરુદ્ધનું પગલું ગણાવ્યું છે.

આ પણ વાંચો: વેનેઝુએલાને પાયમાલ કરનાર માદુરોની કહાની, જાણો એક બસ ડ્રાઇવર સરમુખત્યાર કેવી રીતે બન્યો

ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હવે અમેરિકા વેનેઝુએલાના તેલ ભંડારો પર નિયંત્રણ રાખશે અને અમેરિકન તેલ કંપનીઓ ત્યાં ઉત્પાદન વધારશે. વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કડક શબ્દોમાં કહ્યું કે, ‘પશ્ચિમ ગોળાર્ધ અમારો છે.’

રશિયા અને ચીન માટે મોટો ફટકો

નિકોલસ માદુરોનું શાસન વેનેઝુએલામાં ચીન અને રશિયા માટે અત્યંત મહત્ત્વનું વ્યૂહાત્મક કેન્દ્ર હતું, પરંતુ તાજેતરની અમેરિકન કાર્યવાહીએ આ ગઠબંધનને મોટો ફટકો માર્યો છે. ચીને વર્ષ 2007થી અત્યાર સુધીમાં વેનેઝુએલાને 60 અબજ ડોલરથી વધુનું દેવું આપીને ત્યાં મજબૂત પકડ જમાવી હતી, પરંતુ હવે અમેરિકાના કબજાને કારણે ચીનની ઊર્જા સુરક્ષા અને તેનું કરોડો ડોલરનું રોકાણ જોખમમાં મુકાયું છે. 

બીજી તરફ, રશિયા અને વેનેઝુએલા વચ્ચે વર્ષ 2025માં થયેલા સંરક્ષણ કરારો છતાં, અમેરિકન સૈન્ય કાર્યવાહી સમયે રશિયાની મર્યાદિત શક્તિ સ્પષ્ટપણે છતી થઈ છે. રશિયન વિશ્લેષકો અમેરિકાના આ આક્રમક અભિગમને અમેરિકન વિદેશ નીતિનું ‘પુતિનીકરણ’ ગણાવી રહ્યા છે, જે સૂચવે છે કે હવે અમેરિકા પણ રશિયાની જેમ સૈન્ય બળ દ્વારા સત્તા પરિવર્તન કરવામાં ખચકાશે નહીં.

આ પણ વાંચો: વેનેઝુએલા પર હુમલા બાદ ટ્રમ્પની નવી ધમકીથી યુરોપમાં હડકંપ! ગ્રીનલૅન્ડ પર કબજો કરશે અમેરિકા?

ભારત પર શું અસર થશે?

વેનેઝુએલાની વર્તમાન પરિસ્થિતિ ભારત માટે અત્યંત પડકારજનક સાબિત થઈ રહી છે, કારણ કે ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે વેનેઝુએલાના તેલ પર નિર્ભર રહ્યું છે, પરંતુ હવે ત્યાં અમેરિકાના અંકુશ બાદ તેલ આયાતની શરતો અને ભાવમાં મોટા ફેરફારો આવવાની શક્યતા છે. આ સાથે જ ભારતની પરંપરાગત તટસ્થ વિદેશ નીતિ પણ જોખમમાં મુકાઈ છે, કારણ કે ટ્રમ્પે રશિયા પાસેથી તેલની ખરીદી ચાલુ રાખવા બદલ ભારત પર નવા ટેરિફ લાદવાના સંકેત આપીને દબાણ વધાર્યું છે. ભારત માટે સૌથી મોટી મૂંઝવણ વ્યૂહાત્મક સંતુલન જાળવવાની છે; જો ભારત અમેરિકાની શરતો માની તેની વધુ નજીક જાય છે, તો રશિયા અને ચીન સાથેના તેના રાજદ્વારી સંબંધો વણસી શકે છે, જે લાંબે ગાળે પ્રાદેશિક સુરક્ષા માટે ગંભીર પ્રશ્નો ઊભા કરી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ટ્રમ્પની નજર હવે પનામા નહેર અને ગ્રીનલેન્ડ પર પણ હોઈ શકે છે. તેમણે કેનેડાને 51મું રાજ્ય બનાવવાની વાત પણ કરી છે. જોકે આ વાતો અતિશયોક્તિભરી લાગી શકે છે, પરંતુ વેનેઝુએલાની ઘટના બાદ વિશ્વના નેતાઓ ટ્રમ્પની આ ‘નવી નીતિ’ને ગંભીરતાથી લઈ રહ્યા છે.


વેનેઝુએલા પર હુમલો ટ્રમ્પની નવી વ્યૂહનીતિ! રશિયા-ચીનને 'ચેતવણી', જાણો ભારત પર શું અસર થશે 2 - image



Source link

Related Articles

Back to top button