દમણના ડાભેલમાં બે કંપનીમાં ભીષણ આગ, 18 ફાયર ફાઈટરોની મદદ છતાં કલાકો સુધી આગ બેકાબૂ | Major Fire Breaks Out at Two Companies in Dabhel Daman 18 Fire Tenders on Scene

![]()
Daman Fire news : સંઘપ્રદેશ દમણના ઔદ્યોગિક વિસ્તાર ડાભેલમાં આજે બપોરના સમયે બે પેકેજિંગ કંપનીઓમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. કલાકોની જહેમત બાદ પણ બપોરે સુધી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નહોતો.
એક કંપનીમાંથી બીજી કંપનીમાં પ્રસરી આગ
પ્રાપ્ત વિગતો અનુસાર, ડાભેલ ક્રિકેટ ગ્રાઉન્ડની સામે આવેલી ‘ટોટલ પેકેજિંગ’ નામની કંપનીમાં બપોરે અંદાજે 12 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બાજુમાં જ આવેલી ‘એસીઈ (ACE) પેકેજિંગ’ કંપનીને પણ પોતાની લપેટમાં લઈ લીધી હતી.
પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગ વધુ ભભૂકી
બંને કંપનીઓમાં ઘરવપરાશમાં ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની સામગ્રીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. પ્લાસ્ટિક જ્વલનશીલ હોવાથી આગે ખૂબ જ ઝડપથી પ્રસાર કર્યો હતો. ઘટનાને પગલે દમણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
18 ફાયર ટેન્ડરો દ્વારા કામગીરી
આગની ગંભીરતાને જોતા દમણ સહિત આસપાસના વિસ્તારોમાંથી કુલ 18 જેટલા ફાયર ટેન્ડરો અને પાણીના ટેન્કરો બોલાવવામાં આવ્યા હતા. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ અંદર રહેલા કેમિકલ અને પ્લાસ્ટિકના કારણે આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી.
દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સચિવ હરીશ પટેલે જણાવ્યું હતું કે “આગ ખૂબ જ ભીષણ હતી અને પ્લાસ્ટિકના કારણે તેને કાબૂમાં લેવી પડકારજનક બની છે. ફાયર વિભાગની ટીમ સતત કાર્યરત છે.”
જાનહાનિ ટળી, કરોડોનું નુકસાન
રાહતના સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. જોકે, બંને કંપનીઓમાં રહેલો લાખો-કરોડોનો માલસામાન અને મશીનરી બળીને ખાખ થઈ ગઈ હોવાથી ભારે આર્થિક નુકસાનની આશંકા છે.



