ધર્મેન્દ્ર માટે બે પ્રાર્થના સભા કેમ? સની દેઓલ સાથે વિવાદની અટકળો મુદ્દે હેમા માલિનીનો જવાબ | Hema malini reacted on separate prayer meet for dharmendra

![]()
Hema Malini On Dharmendra Separate Prayer Meet: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું ગત વર્ષે 24 નવેમ્બરના રોજ નિધન થઈ ગયુ હતું. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ ઓક્ટોબરના અંતમાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રના નિધન બાદ સની અને બોબી સહિત દેઓલ પરિવાર અને તેમની માતા પ્રકાશ કૌરે 27 નવેમ્બરના રોજ મુંબઈની તાજ લેન્ડ્સ એન્ડ હોટેલમાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. હેમા માલિનીએ પણ મુંબઈ સ્થિત પોતાના ઘરે પૂજા અને ભજનનું આયોજન કર્યું હતું. હેમા માલિની અને તેમની દીકરીઓ એશા અને અહાના, દેઓલ પરિવારની પ્રાર્થના સભામાં હાજર નહોતા રહ્યા.
ત્યારબાદ હેમા માલિનીએ 11 ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં ધર્મેન્દ્ર માટે બીજી પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. અલગ-અલગ પ્રાર્થના સભાઓ બાદ ધર્મેન્દ્રના બંને પરિવારો વચ્ચેના પરસ્પર સંબંધો અંગે અટકળો તેજ થઈ ગઈ હતી. હવે હેમા માલિનીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં આ મુદ્દે ખુલીને વાત કરી છે.
ધર્મેન્દ્ર માટે બે અલગ અલગ પ્રાર્થના સભા મુદ્દે હેમા માલિનીનો જવાબ
હેમા માલિનીએ ઈન્ટરવ્યૂમાં ધર્મેન્દ્ર માટે બે અલગ-અલગ પ્રાર્થના સભાઓ આયોજિત કરવા અંગે કહ્યું કે, ‘આ અમારા ઘરનો પર્સનલ મામલો છે. અમે પરસ્પર વાત કરી. મેં મારા ઘરે એક પ્રાર્થના સભા યોજી કારણ કે મારા પણ સંબંધી-મિત્રો છે. એટલે મેં દિલ્હીમાં પ્રાર્થના સભા રાખી કારણ કે હું રાજકારણમાં છું. મારા માટે તે જરૂરી હતું કે હું ત્યાં રાજકીય મિત્રો માટે પ્રાર્થના સભા રાખું. મથુરા મારો મતવિસ્તાર છે અને ત્યાંના લોકો ધર્મેન્દ્રજીના ચાહકો છે, તેથી મેં ત્યાં પણ પ્રાર્થના સભા યોજી. મેં જે કર્યું તેનાથી હું ખુશ છું.’
દેઓલ પરિવારની પ્રાર્થના સભામાં સલમાન ખાન, રેખા, વિદ્યા બાલન, ઐશ્વર્યા રાય બચ્ચન અને અન્ય ઘણી હસ્તી હાજર રહી હતી. દિલ્હીના જનપથ સ્થિત ડૉ. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાયેલી પ્રાર્થના સભામાં અમિત શાહ, નિર્મલા સીતારમણ, કિરેન રિજિજુ, ઓમ બિરલા, કંગના રણૌત, રણજીત, અનિલ શર્મા અને અન્ય રાજકારણીઓ અને ફિલ્મ જગતની હસ્તીઓએ સામેલ થઈ હતી.
પ્રકાશ કૌર અને સની-બોબી સાથે કોઈ અણબનાવ નથી
આ જ ઈન્ટરવ્યૂમાં હેમા માલિનીને પૂછવામાં આવ્યું કે, શું ધર્મેન્દ્રના લોનાવાલા ફાર્મહાઉસને તેમના ચાહકો માટે મ્યૂઝિયમમાં રૂપાંતરિત કરી શકાય? આ અંગે તેમણે જવાબ આપ્યો કે, ‘સની દેઓલ આ જ પ્રકારનું પ્લાનિંગ કરી રહ્યો છે.’
ત્યારબાદ તેમણે ધર્મેન્દ્ર અને તેમની પહેલી પત્ની પ્રકાશ કૌર અને તેમના બાળકો વચ્ચે અણબનાવની અફવાઓને ફગાવી દીધી. તેમણે કહ્યું કે, ‘બધું બરાબર ચાલી રહ્યું છે. તેથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી કે આ બે અલગ-અલગ પરિવારો છે તો શું થશે. કોઈએ આટલી ચિંતા કરવાની જરૂર નથી અમે બધા એકદમ ઠીક છીએ.’
ધર્મેન્દ્રના સ્વસ્થ થવાની આશા કરી રહ્યો હતો પરિવાર
આ જ ઈન્ટરવ્યૂમાં હેમા માલિનીએ જણાવ્યું કે, ‘અમે બધા ધરમજીના સ્વસ્થ થવાની અને પરિવાર સાથે તેમનો 90મો જન્મદિવસ ઉજવવાની આશા રાખી રહ્યા હતા. આ એક અસહ્ય આઘાત હતો. તે ખૂબ જ ભયાનક રહ્યું, કારણ કે એક મહિના સુધી અમે તેમના બીમાર હોવાના કારણે સંઘર્ષ કરી રહ્યા હતા. અમે સતત હોસ્પિટલમાં જે કંઈ થઈ રહ્યું હતું તેનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અમે બધા ત્યાં જ હતા. હું, એશા, અહાના, સની, બોબી, બધા સાથે હતા. પહેલા પણ એવો સમય આવ્યો હતો જ્યારે તેઓ હોસ્પિટલમાં ગયા હતા અને અમને લાગ્યું હતું કે તેઓ ઠીક છે.’
હેમા માલિનીએ ભાવુક થઈને આગળ કહ્યું કે, ‘તેઓ અમારી સાથે ખૂબ સારી રીતે વાત કરી રહ્યા હતા. તેમણે મને મારા જન્મદિવસ (16 ઓક્ટોબર) પર મને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. તેમનો જન્મદિવસ 8 ડિસેમ્બરે હતો, જ્યારે તેઓ 90 વર્ષના થવાના હતા, અને અમે બધા તેને ખૂબ સારી રીતે સેલિબ્રેટ કરવાનું વિચારી રહ્યા હતા. તૈયારીઓ ચાલી રહી હતી, અને પછી અચાનક તેઓ અમને છોડીને ચાલ્યા ગયા.’
કામ પર પરત ફરી રહી હેમા માલિની
આ પર્સનલ લોસમાંથી બહાર નીકળીને હેમા માલિની નવા સંકલ્પ સાથે કામ પર પરત ફરી રહી છે. તેમણે કહ્યું કે, ‘હું હવે મારું કામ ફરી શરૂ કરી રહી છું. હું મથુરા જઈ રહી છું. હું મારા પરફોર્મન્સ, શો શરૂ કરીશ અને જે પણ કામ છે તે કરતી રહીશ, કારણ કે તેનાથી ધરમજી ખુશ થશે.’



