અમદાવાદ: CG રોડ પર જમીને ચાલવા નીકળેલા બે મિત્રોને સ્પોર્ટ્સ બાઈકચાલકે મારી ટક્કર, એકનું મોત | Ahmedabad News: Speeding Sports Bike Hits Pedestrians on C G Road 25 Year Old Killed

![]()
Accident on Ahmedabad’s C.G. Road: અમદાવાદના હૃદયસમાન સી.જી. રોડ પર મોડી રાત્રે સ્પીડ અને સ્ટંટના ક્રેઝે એક આશાસ્પદ યુવકનો જીવ લીધો છે. પૂરપાટ ઝડપે દોડતી સ્પોર્ટ્સ બાઈકે રસ્તો ઓળંગી રહેલા 25વ ર્ષીય શ્રમિક યુવકને એવી જોરદાર ટક્કર મારી કે યુવકનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ ભયાનક અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
જમીને લટાર મારવા નીકળેલા મિત્રો પર ત્રાટકી આફત
મળતી વિગતો અનુસાર, સી.જી. રોડ વિસ્તારમાં મજૂરીકામ કરી ગુજરાન ચલાવતો પ્રકાશ ડિંડોર ગત રાત્રે તેના મિત્ર મહેન્દ્ર ચૌહાણ સાથે જમ્યા બાદ ટહેલવા નીકળ્યો હતો. મરડિયા પ્લાઝા પાસે બંને મિત્રો સાવચેતીપૂર્વક રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે જ ગોતા તરફથી આવતી એક હાઈ-સ્પીડ સ્પોર્ટ્સ બાઈકે પ્રકાશને અડફેટે લીધો હતો. પ્રત્યક્ષદર્શીઓના મતે ટક્કર એટલી પ્રચંડ હતી કે પ્રકાશ બાઈક નીચે કચડાઈ ગયો હતો અને તેને માથાના ભાગે જીવલેણ ઇજાઓ થઈ હતી.
બાઈક ચાલક પણ ફંગોળાયો, પોલીસની કડક કાર્યવાહી
આ અકસ્માત સર્જનાર બાઈક ચાલકની ઓળખ સુફિયાન મુસ્તુફા (રહે. ગોતા, PG) તરીકે થઈ છે. અકસ્માત સમયે બાઈકની ગતિ એટલી વધારે હતી કે ટક્કર બાદ ચાલક પોતે પણ રોડ પર ફંગોળાયો હતો, જેને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલીને અકસ્માત અંગેના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. સી.જી. રોડ પર મોડી રાત્રે ખેલાતા મોતના આ તાંડવે ફરી એકવાર ટ્રાફિક સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.



