ગાંધીનગરમાં જળકાંડ ઃ હજુ દસ દિવસ સુધી ટાઈફોડના દર્દીઓ વધવાની આશંકા | Water crisis in Gandhinagar: Typhoid patients expected to increase for another ten days

![]()
સિવિલ હોસ્પિટલમાં વધુ નવ બાળ દર્દીઓ દાખલ કરાયા
ટાઈફોઈડનો ઇન્ક્યુબેશન પીરિયડ ૧૫ દિવસનો હોવાથી ગાંધીનગરના અસરગ્રસ્ત વિસ્તારમાંથી રોજના ૧૦-૧૫ દર્દીઓ આવશે
ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જુના સેક્ટર ૨૪, ૨૫,૨૬,૨૭,૨૮ અને આદીવાડા
વિસ્તારમાં ટાઈફોઇડનો રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે વધુ નવ બાળ દર્દીઓ ગાંધીનગર
સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં હજૂ દસ દિવસ સુધી આ અસરગ્રસ્ત
વિસ્તારમાં રોજના ૧૦થી ૧૫ ટાઈફોડના કેસો આવવાની શક્યતા તબીબો દ્વારા વ્યક્ત
કરવામાં આવી છે. જેને પગલે તંત્ર હાલ એલર્ટ મોડમાં મુકાઈ ગયું છે.
પાટનગર ગાંધીનગર શહેરમાં ગટર અને પાણીની નવી લાઇન નાખવા
માટે ૫૦૦ કરોડ રૃપિયાનું આંધણ કરી દેવામાં આવ્યું છે તેમ છતાં ગાંધીનગરમાં
પાણીજન્ય રોગચાળાએ સરકારને દોડાવી દીધી છે. દૂષિત પાણીના પીવાથી પાટનગરના જુના
સેક્ટરો જેવા કે સેક્ટર ૨૪,
૨૫, ૨૬ અને
સેક્ટર ૨૭ ઉપરાંત આદીવાડા તથા જીઆઇડીસી વિસ્તારમાં રોગચાળો વકર્યો છે. અહીં રહેતા
પરિવારોમાં ખાસ કરીને બાળકો વધુ પ્રભાવિત થયા છે અને તેમને દાખલ કરીને સારવાર આપવી
પડી રહી છે. દિન પ્રતિ દિન ટાઈફોઈડના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. ગાંધીનગર સિવિલ
હોસ્પિટલ બાળ દર્દીઓથી ઉભરાઈ હતી અને વિભાગમાં પથારીઓ ખૂટી પડી હતી. જેથી અલાયદો
વધારાનો વોર્ડ તાત્કાલિક ખોલવામાં આવ્યો હતો. ૧૦૦ થી પણ વધારે બાળ દર્દીઓને દાખલ
કરીને સારવાર આપવામાં આવી રહી છે તો બીજી બાજુ મેલ અને ફીમેલ વોર્ડમાં પણ વધુ ૮૦
જેટલા દર્દીઓ દાખલ કરવા પડયા હતા. એટલું જ નહીં સિવિલમાં અન્ય વિભાગમાંથી તથા
જિલ્લાના અન્ય આરોગ્ય કેન્દ્રમાંથી પીડીયાટ્રીશીયન સહિતના તબિબોને તેડાવવા પડયા
છે. આ ઉપરાંત શહેરની ખાનગી હોસ્પિટલો પણ ટાઈફોઈડના દર્દીઓથી ઉભરાઈ રહી છે.
રોગચાળાને કારણે સ્થિતિ બેકાબુ બની રહી છે ત્યારે તંત્રએ અસરગ્રસ્ત વિસ્તારના
રહીશોને ઉકાળીને પાણી પીવા માટેની સલાહ આપી છે. બીજીબાજુ સિવિલ હોસ્પિટલના તબીબી
સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી હતી કે,
હજી પણ ટાઈફોડના દર્દીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. કેમકે ટાઈફોઈડનો
ઇન્ક્યુબેશન પીરિયડ ૧૫ દિવસનો હોય છે.આગામી ૨૦ જાન્યુઆરી સુધી દરરોજ સરેરાશ ૧૦ નવા
પેશન્ટ આવવાની શક્યતા છે. હાલ હોસ્પિટલમાં ૯૪ દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી ૧૯ને
સાજા થતા રજા અપાઈ છે. આ શક્યતાને પગલે હાલ આરોગ્ય તંત્ર પણ એલર્ટ મોડ ઉપર મુકાઈ
ગયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે.
રોગચાળાને પગલે ૨૦,૮૦૦થી
વધુ ઘરોમાં આરોગ્ય તંત્રનો સર્વે
ગાંધીનગર શહેરમાં વક્રેલા ટાઈફોડના રોગચાળાને ડામવા માટે
હવે ગાંધીનગર કોર્પોરેશન સહિત તમામ ટીમો લાગી ગઈ છે ત્યારે અત્યાર સુધીમાં
અસરગ્રસ્ત વિસ્તારોમાં ૨૦,૮૦૦થી
વધુ ઘરોમાં સર્વે કરીને ૯૦ હજારથી વધુ વસ્તીને આવરી લેવામાં આવી છે. જ્યાં ૩૦,૦૦૦ ક્લોરિન
ટેબલેટ અને ૨૦,૬૦૦
ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. પરિવારોને પાણી ઉકાળીને જ પીવા અને
બહારનો ખોરાક ન ખાવા માટે તાકીદ કરવામાં આવી રહી છે.



