છોટાઉદેપુર: સીંગલદા ગામમાં કપાસની આડમાં કરાયેલું ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેતર માલિકની અટકાયત | 124 kilograms of marijuana cultivation seized in Singalda village Kavant Chhota Udepur

![]()
Chhota Udepur News : ગુજરાતમાં નશાબંધીના કડક અમલ વચ્ચે છોટાઉદેપુર જિલ્લા SOG પોલીસને એક મોટી સફળતા મળી છે. જિલ્લાના ક્વાંટ તાલુકાના સીંગલદા ગામેથી પોલીસે લાખોની કિંમતનો લીલો ગાંજો ઝડપી પાડી નશાના કારોબારીઓ સામે લાલ આંખ કરી છે.
ગુપ્ત બાતમીના આધારે પાડવામાં આવી રેડ
છોટાઉદેપુર SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ક્વાંટ તાલુકાના સીંગલદા ગામે રહેતા ભગુભાઈ બુઠીયાભાઇ રાઠવાએ પોતાના ખેતરમાં કપાસ કે અન્ય પાકની આડમાં નશીલા પદાર્થ ગાંજાનું વાવેતર કર્યું છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ખેતરમાં દરોડો પાડ્યો હતો.
રૂ. 69.39 લાખનો મુદ્દામાલ કબજે
પોલીસની તપાસ દરમિયાન ખેતરમાંથી વનસ્પતિજન્ય લીલા ગાંજાના નાના-મોટા કુલ 151 છોડ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલા પંચનામા મુજબ:
કુલ વજન: 124.790 કિલોગ્રામ (લીલો ગાંજો)
અંદાજિત કિંમત: રૂ. 69,39,000
પોલીસે આ તમામ જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં પણ ‘ઈન્દોરવાળી’… 3 દિવસમાં ટાઈફોઈડના 180થી વધુ કેસ, પાણી પીવાલાયક નહીં
આરોપીની ધરપકડ અને કાયદેસરની કાર્યવાહી
આ મામલે ખેતરના માલિક ભગુભાઈ બુઠીયાભાઇ રાઠવાની ઘટનાસ્થળેથી જ અટકાયત કરવામાં આવી છે. ક્વાંટ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ NDPS (Narcotic Drugs and Psychotropic Substances Act)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ગાંજાના છોડનું બિયારણ ક્યાંથી લાવવામાં આવ્યું હતું? અને આ જથ્થો તૈયાર થયા બાદ ક્યાં સપ્લાય કરવાનો હતો? તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


