અમદાવાદ: સિંગર હાર્દિલ પંડ્યા પર હિંસક હુમલો, સોંગ ક્રેડિટ વિવાદમાં ‘લોહીયાળ’ જંગ | Ahmedabad News Song Credit Controversy Singer Hardil Pandya injured in attack

![]()
Ahmedabad News: અમદાવાદના વ્યસ્ત એસ.જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસે જાણીતા સિંગર હાર્દિલ પંડ્યા પર જીવલેણ હુમલો થતા સંગીત જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જૂની અદાવત અને સોંગ ક્રેડિટના વિવાદમાં ગુજરાતી સિંગર શ્યામ સિધાવત અને તેના સાથીઓએ હાર્દિલને બેરહેમીથી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં હાર્દિલના કાનનો પડદો ફાટી ગયો છે, જેના કારણે તે આગામી 4 મહિના સુધી ગાઈ શકશે નહીં.
શું છે સમગ્ર વિવાદ?
મૂળ અમદાવાદના અને હાલ મુંબઈ સ્થાયી થયેલા સિંગર હાર્દિલ પંડ્યા અને ગુજરાતી સિંગર શ્યામ સિધાવત વચ્ચે એક વર્ષ પહેલા રિલીઝ થયેલા એક ગીતની ક્રેડિટ બાબતે વિવાદ ચાલતો હતો. હાર્દિલે આ અંગે લીગલ નોટિસ મોકલી હતી, જેના કારણે શ્યામ તેને અગાઉ પણ ધમકીઓ આપતો હોવાનો આક્ષેપ છે.
જીવલેણ હુમલો અને ગંભીર ઈજાઓ કરિયર માટે મોટો ફટકો
હાર્દિલ પંડ્યા જ્યારે તેના મિત્રો સાથે 29 ડિસેમ્બરે એસ.જી. હાઈવે પર જઈ રહ્યો હતો, ત્યારે શ્યામ સિધાવત, પવન પરમાર અને અન્ય ચાર શખ્સોએ તેને આંતર્યો હતો. હથિયારો વડે થયેલા હુમલામાં હાર્દિલના મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતા ટાંકા લેવા પડ્યા છે. કાનનો પડદો ફાટી જવાથી તે બેભાન થઈ ગયો હતો. તબીબોના જણાવ્યા મુજબ, આગામી 3 થી 4 મહિના સુધી તે હાઈ-પિચ પર ગાઈ શકશે નહીં, જે તેના કરિયર માટે મોટો ફટકો છે.
વસ્ત્રાપુર પોલીસની ભૂમિકા સામે સવાલ
ઘટના અંગે હાર્દિલે 30 ડિસેમ્બરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં વસ્ત્રાપુર પોલીસે શ્યામ સિધાવત સહિતના શખ્સો સામે ગુનો નોંધ્યો છે, પરંતુ પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે. હાર્દિલે તરત ફરિયાદ નોંધાવી હતી, પરંતુ સામે પક્ષે શ્યામની પત્નીએ છેક 4 દિવસ બાદ હાર્દિલ વિરુદ્ધ બીભત્સ શબ્દો બોલ્યાની ફરિયાદ નોંધાવી છે. હાર્દિલ પંડ્યાનો આક્ષેપ છે કે શ્યામની પત્ની દ્વારા કરવામાં આવેલી વળતી ફરિયાદ માત્ર અસલ કેસને દબાવવા અને પોલીસ પર દબાણ લાવવા માટે કરવામાં આવી છે.
પોલીસ તપાસ ચાલુ
હાલ વસ્ત્રાપુર પોલીસે એસ.જી. હાઈવેના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. આ હાઈપ્રોફાઈલ મારામારીમાં કોનો પક્ષ સાચો છે અને હુમલા પાછળ અન્ય કોઈ કારણો છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.



