ગાંધીનગરમાં પણ ‘ઈન્દોરવાળી’… 3 દિવસમાં ટાઈફોઈડના 180થી વધુ કેસ, પાણી પીવાલાયક નહીં | more than 180 typhoid cases including 104 children have been reported in Gandhinagar

![]()
Gandhinagar News : ભારતના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ ઇન્દોરવાળી એટલે કે પાણીજન્ય ટાઈફોઈડનો રોગચાળો ફાટી નીકળ્યો છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પાટનગરના જૂના સેક્ટરોમાં 104 બાળકો સહિત કુલ 180થી પણ વધુ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવી પડી હતી. સમગ્ર ઘટનામાં આગામી દિવસોમાં હજુ કેસ વધવાની શક્યતાઓ તબીબો દર્શાવી રહ્યા છે.
પથારીઓ ખૂટતા નવો વોર્ડ ઉભો કરાયો
ઇન્દોરની જેમ ગાંધીનગરમાં પણ જળકાંડ સર્જાયો છે. દૂષિત પાણીના પીવાથી પાટનગરના જૂના સેક્ટરો જેવા કે સેક્ટર-24, 25, 26 અને સેક્ટર 27 ઉપરાંત આદીવાડા તથા જીઆઇડીસી વિસ્તારમાં રોગચાળો વકર્યો છે. અહીં રહેતા પરિવારોમાં ખાસ કરીને બાળકો વધુ પ્રભાવિત થયા છે અને તેમને દાખલ કરીને સારવાર આપવી પડી રહી છે. દિન પ્રતિ દિન ટાઈફોઈડના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે.
શનિવાર(3 જાન્યુઆરી) સાંજ સુધીમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ બાળ દર્દીઓથી ઉભરાઈ હતી અને વિભાગમાં પથારીઓ ખૂટી પડી હતી જેથી અલાયદો વધારાનો વોર્ડ તાત્કાલિક ખોલવામાં આવ્યો હતો. અહીં 100થી પણ વધારે બાળ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે તો બીજી બાજુ મેલ અને ફીમેલ વોર્ડમાં પણ વધુ 80 જેટલાં દર્દીઓ દાખલ હોવાનું જાણવા મળી રહ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદ પણ ‘જળકાંડ’ ની અણીએ, 150થી વધુ વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ, બજેટની જોગવાઈઓ કાગળ પર જ રહી
એટલું જ નહીં સિવિલમાં અન્ય વિભાગમાંથી તથા જિલ્લાના અન્ય આરોગ્ય કેન્દ્રમાંથી પીડીયાટ્રીશીયન સહિતના તબિબોને તેડાવવા પડ્યા છે.આ ઉપરાંત શહેરની ખાનગી હોસ્પિટલો પણ ટાઈફોઈડના દર્દીઓથી ઉભરાઈ રહી છે.



