दुनिया

વેનેઝુએલા પર અમેરિકાના હુમલામાં 40ના મોતનો દાવો, પ્રમુખ નિકોલસ માદુરોને ન્યુયોર્ક લવાયા | US Airstrike in Venezuela Claims 40 Lives President Maduro Flown to New York



USA and Venezuela Attack News :  વેનેઝુએલામાં અમેરિકન સૈન્ય કાર્યવાહીએ વૈશ્વિક રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. રાજધાની કારાકાસ પર કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલા બાદ, પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરીને તેમને ન્યૂયોર્ક લાવવામાં આવ્યા છે. અમેરિકાએ આ ઓપરેશનને ‘ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’ (Operation Absolute Resolve) નામ આપ્યું છે, જ્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે હાલમાં વેનેઝુએલાનું શાસન અમેરિકા ચલાવશે.

હુમલામાં 40ના મોતનો દાવો

આ અમેરિકન એરસ્ટ્રાઈકમાં ભારે જાનમાલનું નુકસાન થયું છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, વેનેઝુએલા સરકારના એક અધિકારીએ પુષ્ટિ કરી છે કે કારાકાસમાં થયેલા અમેરિકાના હુમલામાં નાગરિકો અને સૈનિકો સહિત ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે. અધિકારીએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે આ જાણકારી આપી હતી.

પ્રમુખ માદુરો ન્યૂયોર્ક પહોંચ્યા

વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોને લઈને આવેલું વિમાન ન્યૂયોર્કના સ્ટુઅર્ટ એર નેશનલ ગાર્ડ બેઝ પર લેન્ડ કરી ચૂક્યું છે. લેન્ડિંગ બાદ માદુરોને કડક સુરક્ષા વચ્ચે વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓ મુજબ, એક ડઝનથી વધુ ફેડરલ એજન્ટોએ તેમને ઘેરી લીધા હતા, જ્યારે કુલ મળીને ત્રણ ડઝનથી વધુ અમેરિકી ફેડરલ એજન્ટો રનવે પર હાજર હતા. આ પહેલા, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારી તસવીર શેર કરી હતી, જેમાં નિકોલસ માદુરોને હાથકડી અને આંખો પર પટ્ટી બાંધીને એક અમેરિકી યુદ્ધ જહાજ પર બતાવવામાં આવ્યા હતા.

ઓપરેશન કેવી રીતે પાર પડાયું?

અમેરિકન અધિકારીઓએ જણાવ્યું કે આ ઓપરેશન હેઠળ 150થી વધુ અમેરિકન સૈન્ય વિમાનોને વેનેઝુએલાની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. ત્યારપછી સૈન્ય હેલિકોપ્ટર દ્વારા સ્પેશિયલ ઓપરેશન્સ ફોર્સને માદુરોના પરિસર સુધી પહોંચાડવામાં આવી. સ્થાનિક સમય મુજબ રાત્રે 2 વાગ્યે અમેરિકી વિશેષ દળોએ માદુરોના ઠેકાણા પર હુમલો કર્યો અને સમગ્ર ઓપરેશન 2 કલાક 20 મિનિટમાં પૂર્ણ કરી લીધું.

વિશ્વમાં વિરોધ, તણાવ ઓછો કરવાની અપીલ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રાતોરાત કરવામાં આવેલા હુમલા બાદ માદુરોની ધરપકડ થઈ છે અને હાલમાં અમેરિકા વેનેઝુએલાનું શાસન સંભાળશે. અમેરિકાના હુમલાની લેટિન અમેરિકા, યુરોપ, રશિયા અને ચીન સહિત ઘણા દેશોએ આકરી નિંદા કરી છે. આ દેશોએ પરિસ્થિતિને વધુ વણસતી અટકાવવા અને તણાવ ઓછો કરવાની અપીલ કરી છે.



Source link

Related Articles

Back to top button