VIDEO | વલસાડ: મેરેથોનમાં પ્રથમ આવવાની ખુશી માતમમાં ફેરવાઈ, 15 વર્ષીય વિદ્યાર્થિનીનું દોડ પૂર્ણ કર્યા બાદ મોત, બેદરકારીનો આક્ષેપ | Valsad Umargam student died After heart attack during 5KM marathon in vevaji Maharashtra

![]()
Girl Student Died In 5KM Marathon : વલસાડ જિલ્લાના ઉમરગામના સોળસુંબા નજીક મહારાષ્ટ્રના વેવજી ગામે આજે (3 જાન્યુઆરી, 2026) સવારે એક હૃદયદ્રાવક ઘટના બની છે. શાળા દ્વારા આયોજિત 5 કિલોમીટરની મેરેથોનમાં પ્રથમ ક્રમે વિજેતા બનેલી 15 વર્ષીય વિદ્યાર્થિનીનું દોડ પૂરી કર્યાની ગણતરીની મિનિટોમાં જ મોત નીપજ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેક અથવા વધુ પડતા શારીરિક શ્રમને કારણે મોત થયું હોવાનું અનુમાન છે.
મેરેથોનમાં પ્રથમ આવી અને ઢળી પડી
મહારાષ્ટ્રના વેવજી ગામના સોરઠપાડા ખાતે આવેલી ભારતી એકેડમી દ્વારા વાર્ષિક પરંપરા મુજબ 5 કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરગામમાં રહેતી રોશની રાકેશભાઈ ગોસ્વામી (ઉં.વ. 15) એ આ દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. રોશની પોતાની ક્ષમતા બતાવીને દર વર્ષની જેમ આ વખતે પણ મેરેથોનમાં પ્રથમ રહી હતી. જોકે, વિજયની ખુશી મનાવે તે પહેલા જ તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી અને તે અચાનક બેભાન થઈને ઢળી પડી હતી.
CHC ખાતે તબીબોએ મૃત જાહેર કરી
ઘટનાને પગલે ગભરાયેલા શાળા સંચાલકો તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ઉમરગામ કમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે લઈ ગયા હતા. પરંતુ, ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. તબીબોના મતે, અચાનક હાર્ટ એટેક આવવાથી અથવા ક્ષમતા કરતા વધુ શારીરિક શ્રમને કારણે આ દુર્ઘટના બની હોઈ શકે છે.
પરિવારના ગંભીર આક્ષેપ: “એમ્બ્યુલન્સની સુવિધા કેમ નહોતી?”
રોશનીના મોતના સમાચાર મળતા જ પરિવાર હોસ્પિટલ દોડી આવ્યો હતો અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા. મૃતકના માતા-પિતાએ શાળા સંચાલકો પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે. પરિવારનું કહેવું છે કે, 5 કિલોમીટર જેવી લાંબી દોડનું આયોજન કરતી વખતે મેદાન પર એમ્બ્યુલન્સ કે મેડિકલ ટીમની વ્યવસ્થા કેમ રાખવામાં આવી નહોતી? સમયસર સારવાર ન મળવાને કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આક્ષેપ કરી ન્યાયની માંગ કરી છે.
માતાના આશીર્વાદ લઈને નીકળી હતી રોશની
રોશનીની માતાએ ડૂસકાં ભરતા જણાવ્યું હતું કે, “સવારે તે ઘરે ભોજન બનાવી, ભાઈને ટિફિન આપીને મારા પગે લાગી આશીર્વાદ લઈને નીકળી હતી. કોને ખબર હતી કે આ તેના છેલ્લા આશીર્વાદ હશે.”
પોલીસ તપાસ શરૂ આ બનાવ અંગે મહારાષ્ટ્ર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. મેરેથોનમાં જીત્યા બાદ વિદ્યાર્થિનીના મોતના સમાચારથી સમગ્ર પંથકમાં શોકની લહેર ફરી વળી છે.



