ચીનમાં ઘટતી વસ્તીને કાબૂમાં કરવા સરકારે ‘કોન્ડમ ટેક્સ’ લાગુ કર્યો | The government implemented a ‘condom tax’ to control the declining population in China

![]()
– વન ચાઈલ્ડ પોલિસી નાબૂદ કર્યાના દાયકા બાદ નિર્ણય
– 20 ટકાથી વધુ વસ્તીની ઉંમર 60 વર્ષથી વધુ, 2100 સુધીમાં 50 ટકા વસ્તી પેન્શન સિસ્ટમ પર નિર્ભર હશે
બેઈજિંગ : નવા વર્ષની શરૂઆત સાથે જ ચીની સરકારે તેમની ત્રણ દાયકા જૂની ટેક્સ નીતિમાં બદલાવ કર્યો છે. ચીને ગર્ભનિરોધકો અને કોન્ડમ પર ૧૩ ટકા ટેક્સ લાગુ કર્યો છે. ‘વન ચાઈલ્ડ પોલિસી’ રદ કર્યાને ૧૦ વર્ષ બાદ ચીની સરકારે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ૧૯૯૪ની સાલમાં ચીને એક બાળકની નીતિને કડક રીતે લાગુ કરી હતી.
ચીને ૧૯૭૯થી ૨૦૧૫ની વચ્ચે વન ચાઈલ્ડ પોલિસી લાગુ કરી હતી. ત્યારબાદ, ૨૦૧૬થી ૨૦૨૧ની વચ્ચે બે બાળકોની નીતિ લાગુ કરવામાં આવી હતી. જ્યારે, ૨૦૨૧માં ત્રણ બાળકોને મંજૂરી અપાઈ હતી. પરંતુ, વસ્તીમાં ભારે ઘટાડાના આંકડા બાદ ચીની સરકાર દ્વારા જૂન ૨૦૨૧માં તમામ મર્યાદાઓ રદ્દ કરવામાં આવી હતી. આ તમામ નીતિઓના ખરાબ પરિણામો બાદ હવે સરકાર ત્રણ વર્ષથી નાના બાળક માટે રૂ. ૪૫,૦૦૦ની ચાઈલ્ડકેર સબસિડી આપી રહી છે.
ચીનમાં ૨૦૧૯માં ૧.૪૭ કરોડ બાળકોનો જન્મ થયો હતો. જે ૨૦૨૪માં ઘટીને ૯૫ લાખ થયો હતો. હાલ, ચીનમાં ૨૦ટકાથી વધુ વસ્તીની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધુ છે. અંદાજ મુજબ, ૨૧૦૦ સુધીમાં ૫૦ ટકા વસ્તીની ઉંમર ૬૦ વર્ષથી વધુ હશે. જે વર્કફોર્સ અને પેન્શન સિસ્ટમ પર ભાર વધારશે. ૨૦૨૨માં ચીનનો પ્રજનન દર ૧.૧૮ બાળક હતો. જે માપદંડ કરતા ઘણો ઓછો હતો. ચીનમાં ઘટતી વસ્તી પાછળ બાળ ઉછેરના ખર્ચને કારણ માનવામાં આવી રહ્યું છે.
યુવા પોપ્યુલેશન રિસર્ચ ઈન્સ્ટિટયુટના અભ્યાસમાં સામે આવ્યું છે કે, ચીનમાં ૧૮ વર્ષ સુધીના બાળકને ઉછેરવાનો ખર્ચ આશરે રૂ. ૬૭.૩૫ લાખ આવે છે. જે તેને બાળઉછેર માટે વિશ્વના સૌથી મોંઘા દેશોમાંનો એક બનાવે છે. ચીની સોશિયલ મીડિયા સાઈટ્સ પર સરકારના કોન્ડમ ટેક્સનો વિરોધ થઈ રહ્યો છે. જાણકારો કહી રહ્યાં છે કે, કોન્ડમ ટેક્સને કારણે એચઆઈવી અને અન્ય જાતીય રોગોનું જોખમ વધશે.



