राष्ट्रीय

Explainer: ભારત-બાંગ્લાદેશ વચ્ચે ગંગાના પાણી માટે કરાયેલી સમજૂતીનો 2026માં અંત, જાણો શું છે આ 30 વર્ષ જૂની સંધિ | India Bangladesh Ganga Water Treaty to End in 2026: A Look at the 30 Year Old Pact



India-Bangladesh Water Treaty : ભારત અને બાંગ્લાદેશે ગુરુવારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ બંને દેશે 1996માં થયેલી ગંગા નદીના પાણીની વહેંચણી બાબતની સંધિને નવીકરણ કરવા માટેની વાટાઘાટો શરૂ કરી છે. આ સંધિ ડિસેમ્બર 2026માં તેના હસ્તાક્ષરના 30 વર્ષ પૂરા થયા બાદ સમાપ્ત થઈ જશે. નવા કરાર માટેની આ પ્રક્રિયા સમયસર શરૂ કરાઈ છે.

પાણીના સ્તર અને પ્રવાહની વૈજ્ઞાનિક રીતે માપણી શરૂ  

નવા કરાર માટેની તથ્યાત્મક ચર્ચા માટે બંને દેશે મહત્ત્વનો નિર્ણય લઈને ગંગા અને પદ્મા નદીમાં વૈજ્ઞાનિક રીતે પાણીનો પ્રવાહ અને સ્તર માપવાનું શરૂ કર્યું છે. જળ સંપત્તિ મંત્રાલયના અધિકારીઓના મતે આ માપણી 31 મે સુધી દર દસ દિવસે કરાશે. ભારતમાં ગંગા નદી પરના ફરક્કા બિંદુ પર અને બાંગ્લાદેશમાં પદ્મા નદી પરના હાર્ડિંગ બ્રિજથી 3,500 ફૂટ ઉપર માપણી શરૂ કરાઈ છે. આ કામ માટે ભારતના કેન્દ્રીય જળ આયોગ (Central Water Commission)ના ડેપ્યુટી ડિરેક્ટર સૌરભ કુમાર અને આસિસ્ટન્ટ ડિરેક્ટર સની અરોરા હાલ બાંગ્લાદેશમાં છે તથા બાંગ્લાદેશની ચાર સભ્યોની ટીમ ભારતમાં છે. હાલ બાંગ્લાદેશમાં ભારત-વિરોધી લાગણી હોવાથી બાંગ્લાદેશી અધિકારીઓ ભારતીય ટીમની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે.

ગંગા જળ વહેંચણી સંધિનો ઐતિહાસિક સંદર્ભ

ગંગા જળ વહેંચણી સંધિ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય કરાર છે. 1996માં થયેલા આ કરારે બંને પાડોશી દેશો વચ્ચે સહકારનો નવો માર્ગ ખોલ્યો હતો. બંને દેશો વચ્ચે 54 આંતરરાષ્ટ્રીય નદી વહેંચાયેલી છે, જેમાં ગંગા (જેને બાંગ્લાદેશમાં પદ્મા કહે છે) મુખ્ય છે. 

આ પણ વાંચો : ‘બલૂચિસ્તાનમાં ચીન પોતાની સેના ઉતારવાની તૈયારીમાં’, એસ. જયશંકરને બલૂચ નેતાએ લખ્યો પત્ર

ભારતે બનાવેલા બેરેજે તંગદિલી વધારી

1975માં ભારતે પશ્ચિમ બંગાળની હુગલી નદીમાં પાણીનો પ્રવાહ વધારવા અને કોલકાતા બંદરને સાફ રાખવા માટે ફરક્કા નગરમાં એક બેરેજ (બંધ કરવાની નીચી આડશ) બનાવી હતી. આ બેરેજના કારણે ગંગાના પાણીના પ્રવાહમાં ફેરફાર થયો હતો, જેથી બાંગ્લાદેશને મળતા પાણીનો હિસ્સો ઘટી ગયો હતો. આ મુદ્દો લાંબા સમય સુધી બંને દેશો વચ્ચે તણાવનું કારણ બન્યો હતો.

સંયુક્ત નદી આયોગની ભૂમિકા

ગંગા પાણીના વિવાદને ઉકેલવા માટેનો પ્રયાસ 1953થી જ ચાલુ હતો, પરંતુ ઘણા વર્ષો સુધી કોઈ નિર્ણાયક પરિણામ નહોતું આવ્યું. 1971માં બાંગ્લાદેશ રચાયા પછી આ મુદ્દા પર સહકારથી કામ કરવાની શક્યતા વધી ગઈ. 1972માં બંને દેશે સંયુક્ત રીતે નદીઓનું વ્યવસ્થાપન કરવા માટે ભારત-બાંગ્લાદેશ સંયુક્ત નદી આયોગ (Joint Rivers Commission) ની રચના કરી હતી. આ આયોગની મુખ્ય ભૂમિકા નદીના પાણીની વહેંચણી, પૂર નિયંત્રણ અને જળ સંસાધનોના વિકાસ પર સહમતિ બનાવવાની છે. 1996ની ગંગા સંધિ આ જ આયોગના માધ્યમથી શક્ય બની હતી. હવે આ સંધિના નવીકરણ માટે ફરીથી આ આયોગ અને બંને દેશના અધિકારીઓ વચ્ચે ચર્ચા-વાટાઘાટો થશે.

ગંગા જળ સંધિ બંને દેશના સંબંધનો મજબૂત આધાર 

ગંગા જળ સંધિ ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં વિશ્વાસ અને સહયોગનો મજબૂત આધારસ્તંભ રહી છે. બંને દેશ વચ્ચે શાંતિ અને સમૃદ્ધિ માટે આ સંધિનું નવીકરણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ વાટાઘાટો દરમિયાન પાણીના વહેંચણીની ટકાવારી, મોસમી પ્રવાહ, પર્યાવરણીય અસરો અને બંને દેશોની જરૂરિયાતો જેવા મુદ્દા પર ચર્ચા થવાની શક્યતા છે. નવીકરણ પ્રક્રિયા દ્વારા બંને દેશ વચ્ચેનો સહકાર ફરીથી મજબૂત થશે, એવી આશા રાખી શકાય.

આ પણ વાંચો : સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચે તણાવ કે સ્પર્ધા? સરળ શબ્દોમાં સમજો સત્તાના નવા સમીકરણ



Source link

Related Articles

Back to top button