ભીમપુરા અકસ્માત કેસમાં ટ્રિબ્યુનલે વીમા કંપનીને 9 ટકા વ્યાજ સાથે વળતર જમા કરાવવાનો આદેશ આપ્યો | tribunal ordered the insurance company to deposit compensation with 9% interest In Bhimpura accident

![]()
Vadodara : તા.20 જાન્યુઆરી 2018ના રોજ કરમસદ મેડિકલ કોલેજથી વડોદરા તરફ જઈ રહેલી ઇકો કારને ભીમપુરા ગામની સીમમાં રોંગ સાઈડથી આવેલા ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં ઇકો કારના ડ્રાઇવર સહિત બે યુવતીઓનું મોત થયું હતું, જ્યારે અન્ય યુવતીઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ મામલે મોટર વાહન અકસ્માત ક્લેમ્સ ટ્રિબ્યુનલ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે.
આ કેસમાં અરજદાર તરીકે ગદાપુરા (વડોદરા) નિવાસી સાક્ષી ગિરીશભાઈ માસંદ, વાસણા રોડ નિવાસી તન્વીબેન પ્રતિક દલવી, તેમજ મૃતકોના વારસદારો દ્વારા મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 166 હેઠળ વિવિધ દાવાઓ દાખલ કરવામાં આવ્યા હતા. સામા પક્ષે ટ્રક ડ્રાઇવર સુખા માધવસિંહ વાઘેલા અને ટ્રક માલિક અશોક રવજી પ્રજાપતિ (બન્ને રહે. બોરસદ, આણંદ), મેગ્મા એચ.ડી.આઈ. જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (રેસકોર્સ સર્કલ, વડોદરા) તથા ધ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (સયાજીગંજ, વડોદરા)ને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. ઇકો કારના ડ્રાઇવર/માલિક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોવાથી તેમની પત્ની પીનાબેન હેમરાજભાઈ ચૌધરીને વારસદાર તરીકે પક્ષકાર બનાવવામાં આવ્યા હતા.
ટ્રિબ્યુનલમાં રજૂ થયેલા એફઆઈઆર, ચાર્જશીટ, પંચનામા અને સાક્ષીઓના નિવેદનોના આધારે સ્પષ્ટ થયું હતું કે ટ્રક ડ્રાઇવર રોંગ સાઈડ ટ્રક હંકારી રહ્યો હતો. ટ્રિબ્યુનલે અકસ્માત માટે સંપૂર્ણ જવાબદારી ટ્રક ડ્રાઇવર પર મૂકતાં સામા પક્ષને વળતર ચૂકવવા માટે જવાબદાર ઠરાવ્યા હતા.
અકસ્માતમાં સાક્ષી ગિરીશભાઈ માસંદને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમજ તેમનો લેપટોપ અને કાંડા ઘડિયાળ તૂટી ગયા હતા. તન્વીબેન, જે કરમસદ મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી હતી, તેમને પણ ગંભીર ઇજાઓ થઈ હતી. મૃતક મૈત્રીબેન સતીશ રાજપૂત ફિઝિયોથેરાપીની વિદ્યાર્થીની હતી. એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી પલક મુકેશકુમાર શાહને ઇજાઓ પહોંચી હતી. ઇકો કારના 43 વર્ષીય ડ્રાઇવર હેમરાજ વીરસંગભાઈ ચૌધરીનું મોત થયું હતું, જ્યારે દ્રષ્ટિ અશોકભાઈ પટેલ (ફિઝિયોથેરાપી ત્રીજા વર્ષની વિદ્યાર્થીની) પણ ઘાયલ થઈ હતી.
અરજદારો તરફથી એડવોકેટ વી.પી.ગુપ્તા, કમલેશ પટેલ અને મંજુ કેલ્લાની દલીલો થઈ હતી. ટ્રિબ્યુનલ અને ડિસ્ટ્રિક્ટ જજ બી.કે.દશોંડીએ વળતર તરીકે અરજદારોની વળતરની રકમ 23.46 લાખ, 8.92 લાખ, 46.69 લાખ, 1.03 કરોડ અને 42.98 લાખની રકમ 9 ટકા વાર્ષિક વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે. સાથે જ વીમા કંપનીને 8 અઠવાડિયામાં ટ્રિબ્યુનલમાં રકમ જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.



