જામનગરના વેપારી પાસેથી મોરબીના શખ્સ દ્વારા રૂપિયા 25 લાખનો માલ ખરીદ કરી હાથ ખંખેરી લેતાં પોલીસ ફરિયાદ | Police file complaint after Morbi man cheated of Rs 25 lakh in Jamnagar business

![]()
Jamnagar : જામનગર નજીક દરેડ વિસ્તારમાં બ્રાસ સ્ક્રેપનો વેપાર કરતા એક વેપારી સાથે છેતરપિંડી થઈ હોવાનું પોલીસમાં જાહેર થયું છે. મોરબીના એક વેપારી દ્વારા ડિજિટલ પ્લેટફોર્મના આધારે સંપર્ક કર્યા બાદ રૂપિયા 25,13,908 નો બ્રાસપાર્ટનો સ્ક્રેપ ખરીદ કર્યા બાદ તેના નાણા નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના વતની અને હાલ જામનગરના ગોકુલ નગર નજીક અયોધ્યા નગરમાં રહેતા તેમજ નકુલ એન્ટરપ્રાઇઝ નામની દરેડ વિસ્તારમાં બ્રાસ સ્ક્રેપની પેઢી ચલાવતા જગદીશભાઈ રાયદેભાઈ રાવલિયા નામના બ્રાસપાર્ટના વેપારીએ મોરબીના મહાકાલ એન્ટરપ્રાઇઝના સંચાલક કિશન માધાણી સામે 25,13,909 ની રકમના માલ સામાનની ખરીદી કર્યા બાદ નાણા નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી સાથે ડિજિટલ પ્લેટફોર્મ મારફતે આરોપી કિશન માધાણીએ સંપર્ક કર્યો હતો, અને પોતાની ધંધાની જરૂરિયાત માટે બ્રાસ સ્ક્રેપની જરૂર છે, તેવું દર્શાવી ઉપરોક્ત વેપારી પાસેથી ભંગાર ખરીદ કર્યો હતો, અને પોતે માલ મળી જાય એટલે તે રકમનું પેમેન્ટ ચૂકવી આપશે, તેમ જણાવી બ્રાસ સ્કેપ મેળવી લીધો હતો, પરંતુ તે રકમ આપી ન હોવાથી અને હાથ ખંખેરી લીધા હોવાથી આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.



