સુરત પાલિકાના યુનિયનોએ કબ્જે કરેલી પાલિકાની ઈશ્વર નાયક ભવન ખાલી કરવા નોટિસ | Surat Corporation issue notice to unions vacate Ishwar Nayak Bhavan

![]()
Surat Corporation : સુરત પાલિકાના 11 જેટલા યુનિયનોએ પાલિકાની ઓફિસ પર છેલ્લા 10 વર્ષથી ગેરકાયદે કબજો જમાવ્યો હતો. પાલિકા તંત્રએ નોટિસ આપ્યા બાદ વધુ સમયની રાહ જોયા વિના રાત્રીના સમયે જ ઓફિસનો કબજો લઈ લીધો હતો. આ મુદ્દે કોર્ટનો સહારો લેવામાં આવ્યો હતો. જોકે, તેમાં સફળતા મળી નથી તો પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સાંઈબાબા મંદિર પાસે આવેલી પાલિકાની વધુ એક મિલકતમાં વર્ષોથી યુનિયનોએ કબજો જમાવ્યો હતો તેને ખાલી કરવા માટે તબક્કાવાર નોટિસ આપી હતી. આજે ત્રીજા આખરી નોટિસ આપી એક દિવસમાં કબજો ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. જે સમય મર્યાદા ગઈકાલે પૂરી થઈ હોવાથી પાલિકા ગમે ત્યારે કબજો લઈ શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
સુરત મહાનગર પાલિકામાં ચાલતા 25 જેટલા યુનિયનોની માન્યતા રદ્દ કર્યા બાદ પાલિકા કેમ્પસમાં 11 ઓફિસનો કબજો યુનિયનો દ્વારા કરવામાં આવ્યો હતો. તે 20 નવેમ્બરના રોજ પાલિકાએ રાત્રી દરમિયાન લઈ લીધો હતો અને પાલિકાની અન્ય ઓફિસ શિફ્ટ કરી દીધી હતી. દરમિયાન યુનિયનો દ્વારા કોર્ટનો સહારો લેવામાં આવ્યો હતો. પરંતુ તેમાં સફળતા મળી નથી. હવે પાલિકાના યુનિયન દ્વારા પાલિકાની વધુ એક મિલકતનો કબજો કરવામાં આવ્યો હોવાનું પાલિકાના ધ્યાને આવ્યું છે.
સેન્ટ્રલ ઝોનમાં સાઈબાબા મંદિર નજીક આવેલી પાલિકાની મહત્વની મિલકત ઈશ્વર નાયક ભવન આવ્યું છે. પાલિકા પાસેથી મળતી માહિતી પ્રમાણે વર્ષો જૂની અને ઐતિહાસિક મહત્વ ધરાવતી આ મિલકત યુનિયનોને 1960 થી 1965 ની આસપાસ લીઝ પર આપવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ કોઈ લીઝ રીન્યુ કરવામાં આવી ન હતી. આ ઉપરાંત ઓફિસ પર કબજા માટે કોઈ કાયદાકીય પ્રક્રિયા પણ કરવામાં આવી ન હતી. તેમ છતાં યુનિયનો દ્વારા લીઝ રીન્યુ થઈ ન હોવા છતાં ઉપયોગ કબજો ચાલુ રાખ્યો હતો. આ બાબતે ડેપ્યુટી કમિશનર નિધિ શિવાચ દ્વારા સેન્ટ્રલ ઝોનને પત્ર લખવામાં આવ્યો હતો.
પાલિકાના સેન્ટ્રલ ઝોને 6 અને 29 ડિસેમ્બર બાદ 1 જાન્યુઆરીએ પાલિકાની મિલકત ખાલી કરવા નોટિસ આપી છે. જેમાં ગઈકાલની નોટિસમાં એક દિવસમાં કબજો ખાલી કરવા માટે તાકીદ કરવામાં આવી છે. જેના કારણે પાલિકામાં કબ્જો કરેલી યુનિયનની ઓફિસનો કબ્જો રાતોરાત લેવામાં આવ્યો હતો. તેવી જ રીતે ઈશ્વર નાયક ભવન બિલ્ડીંગનો કબજો પણ લેવામાં આવે તેવી અટકળો તેજ થઈ ગઈ છે.
—————-
યુનિયનોએ વાંધા સાથે નોટિસ સ્વીકારી
સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોને ઈશ્વર નાયક ભવન પર કબ્જો છે તેવા સુરત સુધરાઈ કામદાર (સ્ટાફ) મંડળને આજે ત્રીજી નોટિસ આપી છે. આ નોટિસને યુનિયને વાંધા સહિત સ્વીકારી છે.
પાલિકાની નોટિસમાં જણાવાયું છે કે, સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.12, નોંધ નં.1107 વાળી મિલ્કત ગ્રાઉન્ડ ફલોર સાથે એક માળવાળી મિલ્કતનો ઉપયોગ યુનિયન દ્વારા કરવામાં આવે છે. આ મિલકતની માલિકી અંગેના પુરાવા તથા ફાળવણી અંગેના પુરાવા સાત દિવસમાં રજૂ કરવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી. તેના સામે તમે જે રજૂઆત કરી હતી તે ગ્રાહ્ય રાખવામાં આવી નથી જેથી મિલકતનો કબજો સુરત પાલિકાને સુપ્રત કરી દેવા તાકીદ કરવામાં આવી છે.
પાલિકાની આજની નોટિસ સુરત સુધરાઈ કામદાર (સ્ટાફ) મંડળે વાંધા સાથે સ્વીકારી છે. તેઓએ નોટિસમાં પર જ વાંધો રજૂ કર્યો છે. જેમાં અગાઉ બે નોટિસ આપી છે તેમાં કોર્ટમાં કેસ દાખલ કરવાની કાર્યવાહી કરવાની હોય અને અમારો ઘણો સામાન હોય જગ્યા શોધવા માટે મુદત આપવાની રજૂઆત ફરીથી ગ્રાહ્ય રાખવા વિનંતી સાથે વાંધા સહિત પત્ર સ્વીકારવામાં આવતો હોવાનું કહેવાયું છે.



