જામનગર જિલ્લામાં 29 વર્ષ પહેલાં પોલીસ પાર્ટી ઉપર હુમલો કરવાના કેસમાં બે આરોપીને પાંચ વર્ષની સજા | 2 accused sentenced to 5 years in prison for attacking police 29 years ago in Jamnagar district

![]()
Jamnagar Police : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાના ખડબા ગામમાં 29 વર્ષ પહેલાં પોલીસ ટીમ પર ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં 38 શખ્સ સામે ગુન્હો નોંધાયો હતો. તે કેસમાં અદાલતે બે આરોપીને પાંચ-પાંચ વર્ષની જેલ સજાનો હુકમ કર્યો છે.
લાલપુર તાલુકાના નાના ખડબા ગામમાં ગઈ તા.2-8-1996 ના રોજ તે વખતના પોલીસ અધિકારી સી.જી.ચુડાસમા તથા પોલીસ ટીમ હત્યા અને ધાડના ગુન્હામાં નાસતા ફરતા આરોપી જુવાનસિંહ જશુભા, મશરી મેરામણ તથા રહીમ કાસમ સુમરાની તપાસ માટે ગયા હતા.
આ સમયે હાજી મામદ સફીયાની વાડી પાસે તેમના પર હાજી મામદ નામના શખ્સે હુમલો કર્યો હતો. આ શખ્સે પોલીસ ટીમમાં રહેલા પો.કો સુખદેવસિંહ નરેન્દ્રસિંહ પાસે રહેલી સરકારી રાયફલ ઝૂંટવી લઈ તેમાંથી ચાર જીવતા કારતૂસની લૂંટ કરવા ઉપરાંત હત્યાની કોશિશ કરી હતી. જે બનાવ અંગે જે તે સમયે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
આ અંગેનો કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા ચાર્જશીટમાં કુલ 38 આરોપીના નામ નોંધાયેલા હતા. તે કેસમાં સરકાર તરફથી 42 સાક્ષીની જુબાની રજૂ કરવામાં આવી હતી. અદાલતે પોલીસ પાર્ટી પર થયેલો હુમલો પુરતા પુરાવાથી સાબિત થતો હોવાનું માની આરોપી હાજી મામદ સફીયા તથા કાસમ હાસમ સફીયાને તકસીરવાન ઠરાવી હત્યા પ્રયાસના ગુનામાં પાંચ-પાંચ વર્ષની કેદ, અને રૂ.10-10 હજારનો દંડ ફટકાર્યો છે.



