સાસ્તાપુર પાટિયાની નજીક ડમ્પરે ટક્કર મારતા બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by dumper near Sastapur Patiya

![]()
મહુધા-ડાકોર રોડ ઉપર અકસ્માત
મહુધા પેટ્રોલ પંપ નજીક રિક્ષા પલટી જતા ત્રણને ઇજા, બંને અકસ્માત મામલે પોલીસે ગુનો નોંધ્યો
નડિયાદ: મહુધા-ડાકોર રોડ ઉપર સાસ્તાપુર પાટિયા નજીક રોડ ક્રોસ કરતા બાઈકને ડમ્પરે ટક્કર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં મળતા મહુધા પેટ્રોલ પંપ નજીક રિક્ષા પલટી ખાઈ જતા ત્રણ મુસાફરોને ઇજા થઈ હતી. આ બનાવ અંગે મહુધા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહેમદાવાદ તાલુકાના ભૂમાપુરામાં રહેતા કિરણભાઈ જગદીશભાઈ ચૌહાણ તા.૩-૧૨-૨૫ની સાંજે બાઈક લઇને નીકળ્યા હતા. આ દરમિયાન મહુધા-ડાકોર રોડ ઉપર સાસ્તાપુર પાટિયા નજીક બાઇક ચાલક રોડ ક્રોસ કરતા હતા. ત્યારે ડમ્પરે ટક્કર મારતા બાઈક ચાલકને માથામાં તેમજ શરીર પર ગંભીર ઇજા થઈ હતી.
જેથી ઈજાગ્રસ્તને સારવાર માટે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાંથી કિરણ ચૌહાણને રાત્રે સિટી સ્કેન કરાવવા એમ્બ્યુલન્સમાં લઈ જતા હતા ત્યારે કિરણ ચૌહાણ (ઉં. વ.૧૭)નું રસ્તામાં જ મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે જગદીશભાઈ તખાભાઈ ચૌહાણની ફરિયાદ આધારે મહુધા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં નડિયાદ ખાડમાં રહેતો રાહુલ ભીખાભાઈ તળપદા રાત્રે રિક્ષામાં બેસી મહુધા ખાતે માસીના ઘરે જવા નીકળ્યો હતો. આ દરમિયાન નડિયાદ-મહુધા રોડ મહુધા પેટ્રોલ પંપ પર નજીક રિક્ષા ટ્રેક્ટરને ઓવરટેક કરવા જતા સામેના વાહનની લાઈટથી અંજાઈ જતા બ્રેક મારતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી.
જેથી રિક્ષામાં બેઠેલા રાહુલભાઈ તળપદા, ચીમનભાઈ બુધાભાઈ ઝાલા (રહે. હાથજ) અને શૈલેષભાઈ રણછોડભાઈ દેવીપુજક (રહે. ગાડા)ને ઇજા થઈ હતી. આ બનાવ અંગે મહુધા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



