ઈન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી અને મળ-મૂત્ર ભળી જતાં 14ના મોત, 2800થી વધુ બીમાર | 14 dead over 2800 sickened after sewage and feces mixed with drinking water in Indore

![]()
|
પ્રતિકાત્મક તસવીર |
Indore 14 Died News : દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઓળખાતા ઈન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં નર્મદા જળ સપ્લાયના નામે નાગરિકોને માનવ મળમૂત્ર મિશ્રિત પાણી પીવડાવવામાં આવતા 14 લોકોના મોત થયા છે, જેણે સમગ્ર તંત્ર સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ ભયાનક લાપરવાહીનો ખુલાસો લેબ તપાસમાં થયો છે.
લેબ રિપોર્ટમાં ભયાનક સત્યનો ખુલાસો
પાણીની ગુણવત્તાનું સત્ય ગુરુવારે એમજીએમ મેડિકલ કોલેજ અને નગર નિગમની લેબમાં થયેલી સેમ્પલ તપાસના રિપોર્ટમાં સામે આવ્યું હતું. પાણીના નમૂનામાં ઈ-કોલાઈ (E. coli) અને શિગેલા (Shigella) જેવા ઘાતક બેક્ટેરિયા મળી આવ્યા હતા, જે સીધા માનવ મળમાં જોવા મળે છે. આ વાતની પુષ્ટિ ખુદ જિલ્લા કલેક્ટર શિવમ વર્માએ કરી છે. દરમિયાન, ગુરુવારે વધુ એક દર્દીના મોત સાથે મૃત્યુઆંક વધીને 14 પર પહોંચી ગયો છે.
સેંકડો લોકો બીમાર, 32 ICUમાં
ઉલ્લેખનીય છે કે ગત સોમવારે આ વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી 100થી વધુ લોકો બીમાર પડ્યા બાદ હાહાકાર મચી ગયો હતો. મંગળવાર સુધીમાં આઠ લોકોના મોત થયા હતા. અત્યાર સુધીમાં લગભગ 2800 દર્દીઓ નોંધાયા છે, જેમાંથી 201 લોકોની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. તેમાંથી 32 દર્દીઓ ICUમાં દાખલ છે, જેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
મંત્રીને સહાય આપતી વખતે લોકોના આક્રોશનો સામનો કરવો પડ્યો
કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયે ગુરુવારે ચાર મૃતકોના પરિજનોને બે-બે લાખ રૂપિયાની સહાય રાશિના ચેક આપ્યા હતા. આ દરમિયાન, સ્થાનિક રહેવાસીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે શાસન દ્વારા જાહેર કરાયેલો મૃત્યુઆંક વાસ્તવિક સંખ્યા કરતાં ઘણો ઓછો છે. મંત્રીને લોકોના આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. વિજયવર્ગીયે સ્વીકાર્યું કે વાસ્તવિક સંખ્યા વધુ હોઈ શકે છે અને ઝાડાને કારણે થયેલા તમામ મૃત્યુની તપાસ કરી સહાય આપવામાં આવશે.
NHRC અને હાઈકોર્ટે લીધી ગંભીર નોંધ
આ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) એ સુઓ મોટો (સ્વતઃ) સંજ્ઞાન લીધું છે. આયોગે મધ્ય પ્રદેશના મુખ્ય સચિવને નોટિસ જારી કરી છે અને બે સપ્તાહમાં વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. આયોગે એ પણ નોંધ્યું કે લોકો સતત દૂષિત પાણીની ફરિયાદ કરી રહ્યા હતા, પરંતુ અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી. આ મામલે હાઈકોર્ટમાં દાખલ થયેલી બે જનહિત અરજીઓ પર શુક્રવારે સુનાવણી થશે, જેમાં શાસને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.


