આજથી ટી.ટી.એ.બી. દ્વારા વર્લ્ડ ટેબલ ટેનિસના બે મેગા ઇવેન્ટ્સની શરૂઆત | TTAB to host two mega events of World Table Tennis from today

![]()
ટી.ટી.એ.બી. (ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા) દ્વારા વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર અને વર્લ્ડ ફીડર સિરીઝનું આયોજન તા.૨થી ૧૧ જાન્યુઆરી દરમિયાન સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ્સમાં ભારત સહિત ૯થી વધુ દેશોના ૩૦૦થી વધુ ટોચના પેડલર્સ ભાગ લેશે.
ટી.ટી.એ.બી. દ્વારા ટી.ટી.એફ.આઈ. ( ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા ) અને જી.એસ. ટી.ટી. એ (ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન)ના નેજા હેઠળ આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર સ્પર્ધા તા. ૨થી ૫ જાન્યુઆરી દરમિયાન વડોદરામાં બીજી વખત યોજાશે, જ્યારે ડબલ્યુ.ટી.ટી. ફીડર સિરીઝ તા.૭થી ૧૧ જાન્યુઆરી દરમિયાન ભારતમાં પહેલીવાર યોજાવા જઈ રહી છે, જે શહેર અને રાજ્ય માટે ગૌરવની બાબત છે.
આ સ્પર્ધાઓમાં ૧૧થી ૧૯ વર્ષની વયના યુવા ખેલાડીઓ ઉપરાંત ઓપન એજ કેટેગરીના આંતરરાષ્ટ્રીય ક્રમાંક્તિ ખેલાડીઓ મહત્વપૂર્ણ રેન્કિંગ પોઇન્ટ્સ માટે સ્પર્ધા કરશે..
ડબલ્યુ.ટી.ટી. યુથ કન્ટેન્ડરમાં અંડર-૧૧, ૧૩, ૧૫, ૧૭ અને ૧૯ કેટેગરીમાં મેન્સ-ગર્લ્સના સિંગલ્સ તેમજ અંડર-૧૫ અને ૧૯ મિક્સ ડબલ્સ સહિત કુલ ૧૨ ઇવેન્ટ્સ યોજાશે. જ્યારે ડબલ્યુ.ટી.ટી. ફીડર સિરીઝમાં મેન્સ સિંગલ્સ, વિમેન્સ સિંગલ્સ, મેન્સ ડબલ્સ, વિમેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સ મળી કુલ ૫ ઇવેન્ટ્સ રહેશે.



