ચૂંટણી પહેલા પ. બંગાળને દેશની પહેલી વંદે ભારત ટ્રેનની ભેટ, જાણો કયા રુટ પર દોડશે | West Bengal : first Vande Bharat sleeper train will run on this route PM Modi will inaugurate it

![]()
Vande Bharat Sleeper Train in West Bengal : નવા વર્ષની શરુઆત સાથે જ કેન્દ્રની મોદી સરકારે પશ્ચિમ બંગાળને મોટી ભેટ આપી છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા, રેલવે મંત્રાલયે બંગાળ માટે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનના રૂટની જાહેરાત કરી છે. આ ટ્રેન ગુવાહાટીથી કોલકાતા વચ્ચે દોડશે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં કરશે.
સ્વદેશી ટૅક્નોલૉજી પર આધારિત છે આ વંદે ભારત ટ્રેન
સ્વદેશી ટૅક્નોલૉજીથી બનેલી વંદે ભારત સ્લીપર ટ્રેનનો હાઇ-સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, રેલવેએ નવા વર્ષના પ્રથમ દિવસે જ તેના રૂટની જાહેરાત કરીને મુસાફરોને ખુશખબર આપી છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતાં જણાવ્યું કે, “વર્ષ 2026 સુધારાઓનું વર્ષ છે. આવનારા દિવસોમાં આવી જ વધુ ટ્રેનોની ઝલક જોવા મળશે.” પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા વંદે ભારત સ્લીપર ટ્રેનની આ ભેટને કેન્દ્ર સરકાર દ્વારા એક મોટી અને મહત્ત્વપૂર્ણ જાહેરાત તરીકે જોવામાં આવી રહી છે.
વંદે ભારત સ્લીપરનું ભાડું નક્કી
સત્તાવાર માહિતી મુજબ, ગુવાહાટીથી કોલકાતા માટે થર્ડ એસીનું ભાડું ₹2300, સેકન્ડ એસીનું ભાડું ₹3000 અને ફર્સ્ટ એસીનું ભાડું ₹3600 હશે.
જાન્યુઆરીમાં જ થશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી મહિનામાં જ દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી બતાવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે 17 અથવા 18 જાન્યુઆરીએ ઉદ્ઘાટન થઈ શકે છે. રેલવે મંત્રીએ વધુમાં જણાવ્યું કે આગામી 6 મહિનામાં 8 અને વર્ષના અંત સુધીમાં 12 વધુ વંદે ભારત સ્લીપર ટ્રેનો શરુ કરવામાં આવશે.



