2026ના પહેલા જ દિવસે ભારત-પાકિસ્તાને નિભાવી 35 વર્ષ જૂની પરંપરા, એકબીજાને સોંપી મહત્ત્વની યાદી | India Pakistan Exchanged Nuclear Facilities List Under Bilateral Agreement Civil Prisoners

![]()
India-Pakistan Exchanged Nuclear Facilities List : ભારત અને પાકિસ્તાને નવા વર્ષના પહેલા જ દિવસે 35 વર્ષ જૂની પરંપરા નિભાવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, સમજૂતી મુજબ બંને દેશોના રાજદ્વારીઓએ આજે એકબીજાને પરમાણુ પ્રતિષ્ઠાનો અને સુરક્ષા સંબંધી માહિતીની આપ-લે કરી છે. બંને દેશોએ એકબીજાના પરમાણુ પ્રતિષ્ઠાનો પર હુમલો અટકાવવા માટે એક કરાર કર્યો હતો, જેના ભાગરૂપે આ આપ-લે કરવામાં આવી છે.
બંને દેશો વચ્ચે પરમાણુ સંબંધીત માહિતી આપતા કરાર થયા હતા
ભારત અને પાકિસ્તાન વચ્ચે પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનો અને પરમાણુ ફેસિલિટીઝની વિગતો એકબીજાને સોંપવા માટે 31 ડિસેમ્બર-1988માં સમજૂતી થઈ હતી. ત્યારબાદ આ સમજૂતી 27 જાન્યુઆરી-1991માં લાગુ કરવામાં આવી હતી. સમજૂતી મુજબ બંને દેશો દર વર્ષની પહેલી જાન્યુઆરીએ પોત-પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનો અને તે સંબંધીત અન્ય માહિતી એકબીજાને શેર કરતા હોય છે. આમ બંને દેશોએ અત્યાર સુધીમાં કુલ 34 વગર એકબીજાને યાદી સોંપી છે.
બંને દેશોએ જેલમાં બંધ નાગરિકો-માછીમારોની એકબીજાને યાદી સોંપી
વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘ભારત અને પાકિસ્તાને ‘કોન્સુલર એક્સેસ 2008’ હેઠળ બંને દેશોની કસ્ટડીમાં રહેલા કેદીઓ અને માછીમારોની પણ યાદી એકબીજાને સોંપી છે. બંને દેશોના રાજદ્વારી માધ્યમ દ્વારા આ યાદી સોંપવામાં આવી છે. ભારતે 391 નાગરિક કેદીઓ અને 33 માછીમારોની યાદી સોંપી છે, જેમાં પાકિસ્તાન અથવા પાકિસ્તાની હોવાની આશંકા ધરાવતા લોકો સામેલ છે. જ્યારે પાકિસ્તાને 58 ભારતીયો અને 199 માછીમારોની યાદી સોંપી છે.
પાકિસ્તાન કેદ ભારતીય નાગરિકો-માછીમારોને છોડી મૂકવા ભારતની માંગ
ભારત સરકારે પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા ભારતીય કેદીઓ, હોડી સાથે માછીમારો અને ગુમ ભારતીય સુરક્ષા કર્મચારીઓને વહેલી તકે છોડી મૂકવાની અને પરત મોકલવાની માંગ કરી છે. ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે, 167 ભારતીય માછીમારો અને સિવિલ કેદીઓની સજા પુરી થઈ ગઈ છે, તેથી તેમને વહેલી તકે મુક્ત કરી ભારત પરત મોકવવામાં આવે. ભારતે એમ પણ કહ્યું છે કે, કસ્ટડીમાં રહેલા અને ભારતીય મનાતા 35 સિવિલ કેદીઓ અને માછીમારોને તાત્કાલીક કાઉન્સિલર એક્સેસ પણ આપવામાં આવે. ભારતે પાકિસ્તાન સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી ભારતીય નાગરિકો અને માછીમારો પાકિસ્તાનમાં કેદ છે, ત્યાં સુધી તેમની સુરક્ષા સુનિશ્ચિ કરવામાં આવે.


