સીટકોની કામગીરી દરમિયાન હવે સુરત પાલિકાની લાઈન તૂટશે તો કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ કરાશે | FIR will be filed against contractor If Surat Municipality’s line breaks during CITCO’s work

![]()
Surat : સુરત શહેરમાં એમ.એમ.ટી.એચ. પ્રોજેક્ટની કામગીરી દરમિયાન સીટકો દ્વારા થતી કામગીરી દરમિયાન પાલિકાની પાણી અને ડ્રેનેજની લાઈનમાં અત્યાર સુધીમાં 8 વખત ભંગાણ પડ્યું છે. થોડા સમય પહેલા પાણીની લાઈન તોડી નાખતાં દોઢ દિવસ સુધી અડધા સુરતને પાણી મળ્યું ન હતું. પાલિકાએ કંપનીને દંડ ફટકાર્યો હતો પરંતુ દંડ પર્યાપ્ત નથી અને આ બેદકરીથી લોકોની હેરાનગતિ થાય છે તેવી ફરિયાદ બાદ આજે મેયરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં પાલિકા તંત્ર એ સીટકોને કડક ભાષામાં કરી દીધું છે કે આ પ્રકારની બેદરકારી હવે પછી ચલાવી લેવામાં આવશે નહીં. હવે પછી જો આ પ્રકારની બેદરકારી જોવા મળશે તો કોન્ટ્રાક્ટર સામે સીધી પોલીસ ફરિયાદ કરવામાં આવશે.
સુરત પાલિકાના વરાછા થી આવતી પાણીની લાઈન ચાર વખત એમએમટીએચ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન સીટકોના કોન્ટ્રાકટરે તોડી નાખી હતી. આ લાઈન તૂટતા શહેરની અડધી વસ્તી પાણી વગર રહી હતી તેવી ફરિયાદ થઈ હતી. થોડા દિવસ અગાઉ પણ પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ કર્યું ત્યારે 36 કલાક સુધી રીપેરીંગ કામગીરી ચાલી હતી. તેને કારણે સેન્ટ્રલ ઝોન, વરાછા ઝોન, ઉધના ઝોન અને અઠવા ઝોનમાં રહેતા લોકોને પાણી પુરવઠો આપી શક્યો ન હતો જેના કારણે લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી. લાઈન તૂટતા જાહેરાત વિના જ પાણી કાપ થયો હતો તેથી શહેરના લોકો બાનમાં હોય તેવી સ્થિતિ થઈ હતી.
આજે મેયર દક્ષેશ માવાણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ તથા પાલિકાના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. સીટકો દ્વારા ઉચ્ચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર હાજર રહ્યા હતા. સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે કહ્યું હતું કે, પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાંથી પાણીની અને ડ્રેનેજ લાઈન ક્યાંથી પસાર થાય છે તેના નકશા આપી દેવામાં આવ્યા છે. પરંતુ જ્યારે કામગીરી થાય છે ત્યારે સીટકોના અધિકારીઓ હાજર રહેતા નથી. પાલિકાના અધિકારીઓ લાઈન પસાર થતી હોવાની વાત કરે છે તેમ છતાં બેદરકારીથી કામગીરી કરી લાઇન તોડી નાખે છે. આવી રીતે શહેરને બાનમાં લેવાની કામગીરી ચલાવી લેવામાં આવશે નહીં. પાલિકાએ વહીવટી ચાર્જ વસુલ્યો છે તે પૂરતો નથી શહેરીજનોની હાલત કફોડી થઈ જાય છે. જો આ પ્રકારની બેદરકારી હવે પછી દાખવવામાં આવે તો પાલિકા કોન્ટ્રાક્ટર સામે પોલીસ કેસ કરશે તેવું કહ્યું હતું.
પાલિકા અને સીટકોની કો-ઓર્ડિનેટર કમિટી બનાવાશે
સુરતમાં એમએમટીએચની કામગીરી દરમિયાન સીટકો દ્વારા સાત વખત પાણીની અને એક વખત ડ્રેનેજ લાઈન ડેમેજ કરી છે. કંપનીની આ કામગીરીના કારણે શહેરીજનો મુશ્કેલીમાં મુકાઈ રહ્યાં છે વારંવાર તાકીદ બાદ પણ બેદરકારી દાખવતા આજે પાલિકાએ કોન્ટ્રાક્ટર પર પોલીસ કેસની ચીમકી આપી છે. આ ઉપરાંત પાલિકા અને સીટકોની કો-ઓર્ડિનેટર કમિટી બનાવવા સુચના આપી દેવામાં આવી છે. સીટકો દ્વારા ખોદાણ કામગીરી ચાલુ હોય ત્યારે હવેથી કંપની પીએમસી ટીમ પણ હાજર રહેશે. અત્યારસુધી સીટકોના કોન્ટ્રાક્ટરો હાજર રહેતા હતા પરંતુ હવેથી પીએમસી ટીમ તેમજ પાલિકાના અધિકારીઓ હાજર રહેશે. તેમજ સંકલન માટે વોટ્સએપ ગ્રુપ પણ બનાવાયું છે. અને પીએમસી ટીમના પ્રતિનિધિને નોડલ ઓફિસર તરીકે નીમાયા છે. જે પાલિકાને તમામ કામગીરી અંગે જાણ કરશે.



