गुजरात

ચુણેલ-પણસોરા રોડ ઉપર એક્ટિવા સાથે અથડાતા રિક્ષા પલટી, 6 ને ઇજા | Rickshaw overturns after colliding with Activa on Chunel Panasora road 6 injured



– ખેડા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્

– કંજરી રોડ પર કાર સાથે બાઈક અથડાતા ત્રણને ઈજા, બંને અકસ્માત મામલે પોલીસે ગુનો નોંધ્યો

નડિયાદ : ખેડા જિલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવ વધી રહ્યાં છે. ત્યારે અલીણા-પણસોરા રોડ ઉપર એક્ટિવા સાથે અથડાતા રિક્ષા પલટી જતા છ વ્યક્તિને ઈજા થઈ હતી. જ્યારે કંજરી રોડ ઉપર કાર સાથે બાઈક અથડાતા ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ બંને બનાવ અંગે જે-તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મહેમદાવાદના ખંભાલીમાં રહેતા પરવીનબાનુ યાસીન ખાન પઠાણ તેમના દિકરાના મિત્ર જીગ્નેશભાઈ નાયક સાથે એક્ટિવા પર તેમની ભાણીની ખબર જોવા સુરેલી જતા હતા. આ એક્ટિવા અલીણાથી ચુણેલ થઈ પણસોરા ગણપતિ મંદિર તરફ જતા સામેથી આવેલ રિક્ષા એક્ટિવા સાથે અથડાતા પલટી ગઈ હતી. જેથી એક્ટિવા ચાલક જીગ્નેશભાઈ નાયક, પરવીન બાનુ, રિક્ષા ચાલક ધર્મેશભાઈ રાયસીંગભાઇ તળપદા (રહે. નડિયાદ), સુધાબેન અરવિંદભાઈ ડાભી (રહે. બલાડી), બાબુભાઈ પૂનમભાઈ તળપદા, વિજયભાઈ વિઠ્ઠલભાઈ ભોજાણી (રહે. નાના વગા)ને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે પરવીનબાનુ યાસીન ખાન પઠાણની ફરિયાદ આધારે મહુધા પોલીસે રિક્ષાચાલક ધર્મેશભાઈ તળપદા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે અકસ્માતના બીજા બનાવમાં નડિયાદ તાલુકાના સોડપુરમાં રહેતા તુષારભાઈ વિષ્ણુભાઈ પટેલ વેગનાર ગાડી લઇ આણંદ ખરીદી કરી પરત નડિયાદ તરફ આવી રહ્યાં હતા. ત્યારે કંજરી કોલ્ડ સ્ટોરેજ નજીક રોંગ સાઈડથી મોટર સાયકલ આવી ગાડી સાથે અથડાઈ હતી. જેથી બાઇક ચાલક તેમજ તેની પાછળ બેઠેલ શખ્સ અને ગાડીના ચાલક તુષારભાઈ પટેલને ઇજા થઈ હતી. આ બનાવ અંગે તુષારભાઈ વિષ્ણુભાઈ પટેલની ફરિયાદ આધારે વડતાલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



Source link

Related Articles

Back to top button