ભરુચનું જીએસટી હેલ્પડેસ્ક મોડેલ આખા દેશમાં લાગુ કરાઈ રહ્યું છે | bharuch gst help desk model implemented in india

![]()
વડોદરાઃ દેશમાં જીએસટી ૨.૦ લાગુ કરવામાં આવ્યો છે અને તેના કારણે ઘણા મહત્વના ફેરફારો થયા છે.નવા જીએસટીમાં ટેક્સના માળખાને વધારે સરળ બનાવવામાં આવ્યું છે.દેશમાં ૯૯ ટકા લોકો જીએસટી સમયસર ચૂકવે છે અને ટેક્સ વસૂલાતની સમસ્યા માત્ર એક ટકા કરદાતાઓના કેસમાં જ આવે છે તેમ સેન્ટ્રલ જીએસટી પ્રિન્સિપાલ એડિશનલ એડીજી સુમિત કુમારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું.
તેમની સાથે સેન્ટ્રલ જીએસટી વડોદરા ઝોનના બીજા અધિકારીઓએ જાણકારી આપતા કહ્યું હતું કે, ભરુચમાં ૨૫ ઓગસ્ટે વડોદરા ઝોન દ્વારા રજિસ્ટ્રેશન હેલ્પડેસ્ક લોન્ચ કરાઈ છે અને આખા દેશમાં આ હેલ્પ સેન્ટરનું અનુકરણ કરવામાં આવી રહ્યું છે.જેમાં નાના કરદાતાઓને રજિસ્ટ્રેશનમાં કોઈ મુશ્કેલી હોય તો ઉકેલ લાવી આપવામાં આવે છે.આ ઉપરાંત સેન્ટ્રલ જીએસટીના આખા દેશના તમામ ઝોનના માસિક આંતરિક મૂલ્યાંકનમાં આ વર્ષે વડોદરા ઝોન એપ્રિલથી નવેમ્બર સુધીના ૮ મહિનામાં ૬ વખત પહેલા અને બે વખત બીજા ક્રમે રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે, કરદાતાઓને કોઈ પણ ફરિયાદ કે સૂચન કરવા હોય તો તેઓ જીએસટી ઓફિસનો સંપર્ક કરી શકે છે.અથવા ઈમેઈલ કે સોશ્યલ મીડિયા થકી પણ ફરિયાદ કરી શકે છે.ઈનકમટેક્સ વિભાગની જેમ જીએસટી વિભાગની સિસ્ટમ પણ ફેસલેસ છે.સેન્ટ્રલ જીએસટી કાઉન્સિલની બેઠકમાં કરદાતાના સૂચનો પર ચર્ચા પણ થતી હોય છે.



