गुजरात

નવા વર્ષ પહેલા અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ, 31stની પાર્ટીના આયોજકો ચિંતામાં | Ahmedabad Rain Ahmedabad 31st Party Gujarat Rain Forecast



Ahmedabad Rain: વર્ષ 2025ના અંતિમ દિવસે પણ ગુજરાત પર માવઠાનો માર થયો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આજે (31 ડિસેમ્બર)ની રાત્રે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા છે જેથી 31stની પાર્ટીના આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

અમદાવાદમાં ઝરમર વરસાદ શરુ

31 ડિસેમ્બરની રાત્રે અમદાવાદના હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. ત્યારબાદ બોપલ, સરખેજ, વેજલપુર, પ્રહલાદનગર, મકરબા, થલતેજ, સેટેલાઈટ, પાકવાન ચાર રસ્તા, ઘુમા સહિત સમગ્ર એસ.જી. હાઈવે પર સામાન્ય વરસાદ પડ્યો હતો. વર્ષના છેલ્લા દિવસે શહેરમાં અનેક પાર્ટી પ્લોટમાં ઉજવણીનું આયોજન કરાયું છે. પણ વરસાદી વાતાવરણ બની જતાં આયોજકો હાંફળાફાંફળા થઈ ગયા છે. રંગમાં ભંગ પડે તેવી સ્થિતિ વચ્ચે પણ નવા વર્ષને આવકારવા યુવાધનનો ‘જોશ હાઈ’ છે

વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ

આજે વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ પોરબંદર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, જામખંભાળિયા અને આસપાસના ગામોમાં પણ ઝરમર વરસાદને કારણે રસ્તાઓ ભીના થયા હતા. માવઠાને કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે.

ખેડૂતોને પાક બળી જવાની ભીતિ 

ભર શિયાળે પડેલા આ વરસાદને કારણે સૌથી વધુ ચિંતા જગતનો તાત (ખેડૂતો) અનુભવી રહ્યો છે. હાલમાં રવિ પાક તેની મુખ્ય અવસ્થામાં છે, ત્યારે આ માવઠું નુકસાનકારક સાબિત થઈ શકે છે. જીરું અને ચણાના પાકોમાં ફૂગ આવવાની અને પાક બળી જવાની ભીતિ છે. તૈયાર થવા આવેલા ધાણા અને ઘઉંના પાકને પણ આ વરસાદથી નુકસાન થવાની શક્યતા છે. માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી ખેડૂતોની જણસ પલળી ન જાય તે માટે સત્તાધીશો દ્વારા તાકીદની સૂચનાઓ આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ હજુ આગામી 24 કલાક દરમિયાન કચ્છ, જામનગર, મોરબી, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.

ઠંડીમાં ઘટાડો: લઘુતમ તાપમાન ઊંચકાયું

વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે, જેનાથી ઠંડીમાં આંશિક રાહત મળી છે. આ દરમિયાન ગત રાત્રિના અમદાવાદમાં 14.8 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.6 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. રાજ્યમાંથી અન્યત્ર નલિયામાં 12.6, અમરેલીમાં 13.2, ગાંધીનગરમાં 14, રાજકોટમાં 14.2, વડોદરામાં 15, ભાવનગરમાં 15.6, સુરત-ભુજમાં 15.7 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.



Source link

Related Articles

Back to top button