પંચામૃત ડેરીની પશુપાલકોને નવા વર્ષની ભેટ: દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 25નો વધારો, 3 જિલ્લાને મળશે લાભ | Panchamrut Dairy cattle farmers Panchmahal Mahisagar and Dahod districts Rs 25 more per kg of fat

![]()
Panchmahal News : પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના લાખો પશુપાલકો માટે નવા વર્ષની શરૂઆત મંગલમય બની છે. આ ત્રણેય જિલ્લાની જીવાદોરી સમાન પંચામૃત ડેરી (પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ) દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 25નો માતબર વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
નવા વર્ષથી લાગુ થશે નવા ભાવ
આ નવા ભાવ વધારાનો અમલ 1લી જાન્યુઆરી, 2026 થી કરવામાં આવશે. આ જાહેરાતને પગલે પશુપાલકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને નવા વર્ષની ઉજવણી બમણી થઈ ગઈ છે. પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ જણાવ્યું હતું કે પશુપાલકોના હિતમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાવ વધારાનું ગણિત: હવે કેટલા મળશે?
પશુપાલકોને અત્યાર સુધી જે ભાવ મળતો હતો તેમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે:
- વર્તમાન ભાવ: રૂ. 840 (પ્રતિ કિલો ફેટ)
- વધારો: રૂ. 25
- નવો ભાવ: રૂ. 865 (પ્રતિ કિલો ફેટ)
2.50 લાખથી વધુ પશુપાલકોને સીધો ફાયદો
પંચામૃત ડેરી સાથે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના અંદાજે અઢી લાખથી વધુ પશુપાલકો જોડાયેલા છે. પશુ આહારના વધતા ભાવ અને મોંઘવારી વચ્ચે ડેરી દ્વારા લેવાયેલા આ નિર્ણયથી ગ્રામ્ય અર્થતંત્રને મોટું બળ મળશે. ખાસ કરીને શિયાળાની સીઝનમાં જ્યારે દૂધનું ઉત્પાદન વધુ હોય છે, ત્યારે આ ભાવ વધારો પશુપાલકોની આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે.
પશુપાલકોમાં આનંદની લાગણી
નવા વર્ષના પ્રથમ દિવસથી જ દૂધના ભાવમાં વધારો મળવાનો હોવાથી ડેરી સાથે જોડાયેલી હજારો દૂધ મંડળીઓ અને પશુપાલકોએ આ નિર્ણયને આવકાર્યો છે. પશુપાલકોનું કહેવું છે કે આ વધારાથી તેમને પશુઓના નિભાવ ખર્ચમાં મોટી રાહત મળશે.



