ભર શિયાળે ચોમાસા જેવો માહોલ: પોરબંદર-દ્વારકા પંથકમાં માવઠું, ખેડૂતોના જીવ અદ્ધર | Unseasonal Rain in Gujarat: Porbandar Dwarka Hit by Winter Showers Farmers Worried Crop Damage

![]()
Gujarat Weather Update: રાજ્યમાં વર્ષ 2025ના અંતિમ દિવસે હવામાનમાં અચાનક પલટો આવતાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી જ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં વીજળીના કડાકા-ભડાકા વગર ધીમી ધારે વરસાદ શરુ થતાં જનજીવન પ્રભાવિત થયું છે.
વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ
આજે વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ પોરબંદર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, જામખંભાળિયા અને આસપાસના ગામોમાં પણ ઝરમર વરસાદને કારણે રસ્તાઓ ભીના થયા હતા. માવઠાને કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે.
ભર શિયાળે પડેલા આ વરસાદને કારણે સૌથી વધુ ચિંતા જગતનો તાત (ખેડૂતો) અનુભવી રહ્યો છે. હાલમાં રવિ પાક તેની મુખ્ય અવસ્થામાં છે, ત્યારે આ માવઠું નુકસાનકારક સાબિત થઈ શકે છે. જીરું અને ચણાના પાકોમાં ફૂગ આવવાની અને પાક બળી જવાની ભીતિ છે. તૈયાર થવા આવેલા ધાણા અને ઘઉંના પાકને પણ આ વરસાદથી નુકસાન થવાની શક્યતા છે. માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી ખેડૂતોની જણસ પલળી ન જાય તે માટે સત્તાધીશો દ્વારા તાકીદની સૂચનાઓ આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ હજુ આગામી 24 કલાક દરમિયાન કચ્છ, જામનગર, મોરબી, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.
ઠંડીમાં ઘટાડો: લઘુતમ તાપમાન ઊંચકાયું
વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે, જેનાથી ઠંડીમાં આંશિક રાહત મળી છે. આ દરમિયાન ગત રાત્રિના અમદાવાદમાં 14.8 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.6 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. રાજ્યમાંથી અન્યત્ર નલિયામાં 12.6, અમરેલીમાં 13.2, ગાંધીનગરમાં 14, રાજકોટમાં 14.2, વડોદરામાં 15, ભાવનગરમાં 15.6, સુરત-ભુજમાં 15.7 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.



