સુરત: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહનની અડફેટે બે યુવકના મોત | Surat: Hit and Run on NH 48 Near Kosamba Bridge Two Death

![]()
Surat Road Accident: સુરત જિલ્લાના કોસંબા બ્રિજ નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર બુધવારે (31મી ડિસેમ્બર) વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કોસંબા બ્રિજ નજીક એક અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર બે યુવકોને કચડી નાખતા બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
અંધારાનો લાભ લઈ અજાણ્યો વાહનચાલક ફરાર
મળતી માહિતી મુજબ, બુધવારે વહેલી સવારે જ્યારે નેશનલ હાઈવે 48 પરથી એક બાઈક પસાર થઈ રહ્યું હતું, ત્યારે કોસંબા બ્રિજ પર પાછળથી પૂરઝડપે આવતા એક અજાણ્યા વાહને બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સવાર બંને યુવકો હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બંને યુવકોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદનો વધુ એક બ્રિજ તોડી પડાશે, વટવા GIDCમાં 6 મહિના માટે મહત્ત્વનો રસ્તો બંધ
હિટ એન્ડ રનની આ ઘટનામાં અકસ્માત સર્જનાર વાહન ચાલક માનવતા નેવે મૂકી, લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકોની મદદ કરવાને બદલે અંધારાનો લાભ લઈને પોતાનું વાહન લઈ નાસી છૂટ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.


