31 ડિસેમ્બરની ઉજવણી અન્વયે જામનગર જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં કડક ચેકિંગનું આયોજન | Jamnagar Police organizes strict checking in entire district amid celebration of December 31

![]()
Jamnagar Police : જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન મુજબ 31 ડિસેમ્બરની જામનગર જીલ્લાના નાગરીકો શાંતિમય માહોલમાં ઉત્સાહભેર ઉજવણી કરી શકે તે અનુસંધાને પોલીસ દ્વારા સુચારૂ આયોજન કરી, વિશેષ પોલીસ અધિકારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામા આવનાર છે. જ્યારે ગઈકાલે પણ કડક ચેકીંગ કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણી બંદોબસ્તમાં જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીની અધ્યક્ષતામાં 4 ડીવાયએસપી 24 પીઆઇ અને 35 પીએસઆઇ મળી કુલ 63 પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાન/ગ્રામ્ય રક્ષક દળ તથા ટ્રાફિકના પોલીસ સ્ટાફ મળી કુલ-600 કર્મચારી સહિત જામનગર જીલ્લામાં આશરે-700 પોલીસ અધિકારીઓ તથા કર્મચારી સ્ટાફ દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવશે. જેમાં બોડી બોર્ન કેમેરા, બ્રિથએનાલાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવશે.
આ ઉજવણી અન્વયે બંદોબસ્તમાં પ્રોહીબિશનની પ્રવૃત્તિને સદંતર ડામવા 206 બોડી બોર્ન કેમેરા તેમજ 52 બ્રિથએનાલાઝરનો ઉપયોગ કરીને તેમજ ચેક પોસ્ટ પર સઘન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવશે. તથા જાહેર રોડ ઉપર પસાર થતા વાહન ચાલકોને ચેક કરી નશો કરનાર ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉજવણી બંદોબસ્ત અનુસંધાને જિલ્લામાં 8 ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે. જે ચેક પોસ્ટ ખાતે સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવશે.
જામનગર જિલ્લામાં મહિલાઓની સુરક્ષા માટે 16 ‘શી’ ટીમ તથા એન્ટી રોમિયો સ્કવોડની ટીમો કાર્યરત કરીને બંદોબસ્ત જાળવવામાં આવશે. જામનગર જીલ્લા પોલીસ દ્વારા ફોરવહીલ 30 તથા 112 જનરક્ષકની બોલેરો 27 તથા પોલીસ બાઇક – 80 સહિત કુલ – 137 વાહનો તથા માઉન્ટેડ યુનિટ ધોડેશ્વાર સાથે બંદોબસ્ત અંગે પેટ્રોલિંગ રાખવામાં આવશે. એલસીબી ટીમ દ્વારા જીલ્લાના પ્રોહીબિશન બુટલેગર/પ્રોહીબિશનની પ્રવુત્તિ કરનાર ઈસમો ઉપર ખાસ વોચ રાખી ચેક કરવામાં આવશે તેમજ ઈવેન્ટ યોજનાર તમામ રિસોર્ટ તેમજ ફાર્મ હાઉસ પર કડક ચેકિંગનું આયોજન કરવામાં આવનાર છે.
એસ.ઓ.જી ટીમ દ્રારા ડ્રગ્સ ડીટેકશન કીટ દ્રારા નશીલા પદાર્થોનુ સેવન કરનાર ઇસમો ઉ૫ર વોચ રાખવામા આવશે. સાયબર ટીમ દ્વારા સોશિયલ મિડીયા પર સતત મોનિટરીંગ રાખવામાં આવશે તેમજ વાંધાજનક પોસ્ટ મુકનાર વ્યક્તિ ઉપર ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ટિમ દ્રારા જાહેર જગ્યા, હોટલ, ધાબા, ટુરીસ્ટ સ્થળ, ગેસ્ટ હાઉસ, ભીડભાડ વાળી જગ્યાઓ તથા ઇન્ડ્રસ્ટીઝ એરીયાઓમાં ’’સર્વેલન્સ સ્કવોડ’’ થી ચેકીંગની કાર્યવાહી કરવામા આવશે.
વધુમાં જામનગરના નાગરીકો શાંતિપુર્વક તેમજ ઉત્સાહભેર ઉજવણી કરી શકે તેના માટે તા.30/12/2025 તથા તા.31/12/2025 બે દિવસ માટે જામનગર જીલ્લામાં સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરી, જીલ્લામાં પ્રોહીબિશનની અસામાજીક પ્રવૃત્તિ કરતા ધંધાર્થીને ચેક કરી તેઓની પ્રવૃત્તિ ઉપર ખાસ નજર રાખી ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
જામનગર જિલ્લાનાં પ્રોહીબિશન બુટલેગર્સ તથા પ્રોહીબિશનના ધંધામાં પકડાયેલ ઇસમો ઉપર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા પેરોલ એબસ્કોન્ડર સ્કોડ તથા સર્વેલન્સ સ્કવોડની સ્પેશિયલ ટીમોની રચના કરીને વૉચ રાખવામાં આવશે. જામનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ત્વરિત પ્રતિસાદ અને મદદ મળી રહે, તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ ટીમ દ્વારા મોનિટરિંગ રાખવામાં આવશે.



