સરકારી અનાજ વગે કરવાનું કૌભાંડ : પાદરાના ગોડાઉન મેનેજર સહિત ત્રણ સામે આખરે ગુનો | Government grain scam: Three including Padra’s godown manager finally charged

![]()
Vadodara : વડોદરાના પાદરા સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી ઘઉં, ચોખા તેમજ ચણાનો જથ્થો વગે કરવાનું કૌભાંડ ઝડપાયા બાદ આખરે પોલીસે પાદરા ખાતે સરકારી અનાજના ગોડાઉનના મેનેજર તેમજ અન્ય બે સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કરજણના જૂનાબજાર વિસ્તારમાં નેશનલ હાઇવે પર શિવવાડી મંદિરની પાછળ નર્મદા કેનાલના કાચા રસ્તા પર આઇસર ગાડીમાં બિલ વગરનો સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવા પસાર થાય છે તેવી માહિતીના આધારે કરજણ પોલીસે તા.22ની રાત્રે વોચ ગોઠવી જીજે 8 પાસિંગની એક આઇસર ગાડી આવતા તેને રોકી ડ્રાઇવર કાનાભાઇ કાળુભાઇ મીર (રહે.જૂનાબજાર, કરજણ)ની પૂછપરછ કરતાં તેણે ગાડીમાં ઘઉં અને ચોખાનો જથ્થો ભર્યો હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે તેની પાસેથી બિલની માંગણી કરતા તેની પાસે ન હતું તેમજ પાદરા સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો ભરીને છૂટક અલગ અલગ વેપારીઓને મળી વેચાણ આપવાનો હોવાનું જણાવ્યું હતું. આઇસર ગાડીમાં તપાસ કરતા ચોખાના 50 કિલોના 120 કટ્ટા, ઘઉના 50 કિલોના 60 કટ્ટા અને ચણાના 50 કિલોના 5 કટ્ટા મળી કુલ રૂ.2.38 લાખ કિંમતનો સરકારી અનાજનો જથ્થો હતો. પોલીસે ગાડી, મોબાઇલ અને સરકારી અનાજનો જથ્થો મળી કુલ રૂ.7.48 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પાદરાના સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી જથ્થો કોણે વગે કર્યો તેમજ ક્યાં ક્યાં વેપારીઓને ગેરકાયદે પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. બીજી બાજુ પુરવઠા ખાતાએ પણ પાદરાના સરકારી અનાજના ગોડાઉનમાં દરોડો પાડી તપાસ હાથ ધરી હતી અને આ અંગેનો એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો જેના આધારે વડોદરાના ગોડાઉન મેનેજર રમેશભાઈ મથુરભાઈ પટેલે પાદરાના સરકારી અનાજના ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર અક્ષય ભાલચંદ્ર પંડ્યા તેમજ સરકારી અનાજનો જથ્થો શકે વગેરે કરનાર કાળા કાના કાળુભાઈ મીર અને અક્રમ સલીમ સિંધી સામે ગુનો નોંધાવ્યો હતો.



