ભાજપ રાજમાં ગુજરાત નકલી નોટોનું એપીસેન્ટર, 10 વર્ષમાં 176 કરોડની નકલી નોટો પકડાઈ | gujarat epicenter of fake currency 176 crore counterfeit notes seized in 10 years

Gujarat Epicenter of Fake Currency: મોડેલ સ્ટેટ ગુજરાત આજે નકલી ચલણી નોટોનું એપી સેન્ટર બની રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે તેનું કારણ એ છે કે, છેલ્લા દાયકા દરમિયાન ગુજરાતમાં અંદાજે 33 લાખથી વધુ નકલી નોટો જપ્ત કરવામાં આવી છે, જેનું કુલ મુલ્ય રૂ.176.42 કરોડથી વધુ થાય છે. મહત્ત્વની વાત છે કે, ગુજરાત નકલી નોટોના કારોબારમાં દેશમાં પ્રથમ ક્રમે રહ્યુ છે પરિણામે આર્થિક સુરક્ષા રામભરોસે રહી છે.
નોટબંધીના દાવા પોકળ: ગુજરાતમાં નકલી નોટોનો કારોબાર યથાવત
નોટબંધી લાગુ કરાઈ ત્યારે કેન્દ્ર સરકારે જાહેર કર્યુ હતું કે, નકલી નોટોના કારોબાર પર રોક લાગશે. સાથે સાથે કાલાધન પર રોક લાગશે. પણ ચિત્ર કઇંક ઉલટુ દેખાઇ રહ્યુ છે. નોટબંધી પછી પણ ગુજરાતમાં નકલી ચલણી નોટોનો મોટો કારોબાર ધમધમી રહ્યો છે. આ આખાય સુવ્યવસ્થિત નેટવર્કને તોડવામાં સરકાર-પોલીસની ઇચ્છા શક્તિનો અભાવ હોય તેમ પ્રસ્થાપિત થઇ રહ્યુ છે.
નકલી ચલણના નેટવર્કને તોડવામાં તંત્રની નિષ્ફળતા
ખુદ કેન્દ્ર સરકારના આંકડા જ ગુજરાતની સબ સલામતની પોલ ખોલી રહ્યાં છે કેમકે, વર્ષ 2022માં આખા દેશમાંથી પડકાયેલી કુલ નકલી નોટોમાં ગુજરાત સૌથી અગ્રેસર રહ્યું છે. વર્ષ 2016માં નોટબંધી નકલી નોટો નાબૂદ કરવાનો નિષ્ફળ પ્રયોગ હતો પરંતુ તેનાથી વિપરીત ઉચ્ચ મુલ્યની રૂ.500 અને રૂ.2000ની નકલી ચલણી નોટોનું ચલણ વઘ્યુ હતું.
10 વર્ષમાં 176 કરોડની નકલી નોટો
છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં 32,73,141 જેટલી માતબર નકલી ચલણી નોટો ઝડપાઇ હતી જેની કિંમત રૂ.176 કરોડ થવા જાય છે. નોટબંધી પછી છેલ્લા 6 વર્ષમાં રૂ.500ની નકલી નોટોની સંખ્યામાં 291%નો વધારો થયો છે, તેમ છતાં સરકારે મૌન ધારણ કર્યું છે. ભાજપ સરકારની મક્કમ ઈચ્છા શક્તિનાં અભાવે ચાલતા આ ‘નકલી નાણાના ખેલ’ને કારણે રાજ્યની આર્થિક સ્થિરતા જોખમાઈ રહી છે.

ગુનાખોરી ડામવાની વાતો માત્ર ‘ડીંગો’ હોવાનો આક્ષેપ.
ચિંતાજનક બાબત તો એ છે કે, ગુજરાત નકલી નોટોના કારોબારમાં દેશમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે તેમ છતાંય ગૃહવિભાગ ગુનાખોરી ડામવાની ડીંગો હાંકી રહ્યુ છે. કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ માંગ કરી કે, માત્ર આંકડા બતાવીને સંતોષ માનવાને બદલે સીમા નિગરાની વધુ કડક બનાવવામાં આવે. આ ઉપરાંત નકલી નોટો પકડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે જેથી સંગઠિત ગુનાખોરીના નેટવર્કના મૂળ સુધી પહોંચી શકાય.




