ખેડા જિલ્લામાં મનરેગા હેઠળના રાજીવ ગાંધી સેવા કેન્દ્રોના નિર્માણમાં ગેરરીતિના આક્ષેપ | Allegations of irregularities in the construction of Rajiv Gandhi Seva Kendras under MGNREGA

![]()
– 10 વર્ષથી વધુનો સમય છતાં અનેક ભવનો અધૂરી હાલતમાં
– એસ્ટીમેટ મુજબ નાણાં ખર્ચાયા હોવા છતાં બાંધકામ પૂર્ણ નહીં થતા મહુધાના પૂર્વ ધારાસભ્ય દ્વારા તપાસની માંગ
નડિયાદ : ખેડા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલા ૧૪૯ રાજીવ ગાંધી સેવા કેન્દ્રોના નિર્માણમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં અનેક ભવનો ૧૦થી ૧૨ વર્ષથી અધૂરી હાલતમાં હોવાથી મહુધાના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીત પરમારેે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. સરકારી રેકર્ડ પર એસ્ટીમેટ મુજબ નાણાં ચૂકવાઈ ગયા હોવા છતાં બાંધકામ પૂર્ણ ન થતા આ સમગ્ર મામલે તપાસની માંગ સાથે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે.
મહુધાના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીત પરમારે મનરેગા યોજના હેઠળ નિર્માણ પામતા રાજીવ ગાંધી સેવા કેન્દ્રોના બાંધકામમાં ગેરરીતિઓ થઈ હોવાના આક્ષેપો સાથે સરકારમાં રજૂઆત કરી છે. ખેડા જિલ્લામાં આ ભવનોના નિર્માણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં છેલ્લા ૧૦થી ૧૨ વર્ષથી અનેક ભવનો હજુ પણ અધૂરી હાલતમાં લટકી રહ્યાં છે, જે વહીવટી તંત્રની નિષ્ફળતા અને ભ્રષ્ટાચાર સૂચવે છે, તેવો દાવો પૂર્વ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ ૧૪૯ જેટલા રાજીવ ગાંધી સેવા કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાંથી અનેક તાલુકાઓમાં સરકારી રેકર્ડ પર એસ્ટીમેટ મુજબનો પૂરેપૂરો ખર્ચ બતાવી દેવાયો છે, પરંતુ વાસ્તવિક સ્થિતિમાં બાંધકામ પૂર્ણ થયા નથી.
જિલ્લાના ૧૦ તાલુકાઓમાં આવા અનેક અધૂરા ભવનો હાલ જર્જરિત અવસ્થામાં ફેરવાઈ ગયા છે. આ મામલે તપાસની માંગ ઉઠી છે કે, જો સરકારી તિજોરીમાંથી નાણાં પૂરેપૂરા વપરાઈ ગયા હોય તો બાંધકામ અધૂરું કેમ છે. મહુધા તાલુકામાં સ્થિતિ વધુ ગંભીર જોવા મળી રહી છે, જ્યાં વર્ષો પહેલા આ મુદ્દો ચર્ચાયો હોવા છતાં બાંધકામમાં કોઈ પ્રગતિ થઈ નથી. ખાસ કરીને કપરૂપુર ગામનું રાજીવ ગાંધી સેવા કેન્દ્ર કાગળ પર ખર્ચ બતાવ્યા છતાં સ્થળ પર અસ્તિત્વ ધરાવતું ન હોવાની વિગતો બહાર આવતા આથક ગેરરીતિની શંકા પ્રબળ બની છે.
મહુધામાં મંજૂર 21 માંથી માત્ર 7 ભવનો પૂર્ણ થતા 6 રદ કરવા દરખાસ્ત : ટીડીઓ
આ સમગ્ર વિવાદ અંગે મહુધા ટીડીઓ જ્યોતિબેન દેસાઈએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, મહુધા તાલુકામાં વર્ષ ૨૦૧૦થી ૨૦૧૭ દરમિયાન કુલ ૨૧ રાજીવ ગાંધી ભવન મંજૂર થયા હતા, જેમાંથી અત્યાર સુધીમાં માત્ર ૭ ભવનો જ પૂર્ણ થયા છે. બાકી રહેલા ભવનો પૈકી ૧ ફિઝિકલ પૂર્ણ છે અને ૫ ભૌતિક રીતે પૂર્ણ છે, જ્યારે ૬ ભવનોને રદ કરવા માટે જિલ્લા કક્ષાએ દરખાસ્ત મોકલવામાં આવી છે. કેટલાક ભવનોના બાંધકામ અટકી પડવા પાછળ વહીવટી અને ટેકનિકલ કારણો જવાબદાર છે. વર્ષ ૨૦૧૩-૧૪માં મંજૂર થયેલા બાકીના ૨ ભવનો જૂના એસ્ટીમેટ મુજબ મંજૂર થયા હોવાથી, વર્તમાન સમયના નવા એસ.ઓ.આર. મુજબ તેની કામગીરી કરવી હવે શક્ય જણાતી નથી.



