ચૂંટણીપંચનું રોલર ફરી વળતાં ગુજરાતની ચૂંટણીમાં મોટા ઊલટફેરની આશંકા? MLA-કોર્પોરેટરની ચિંતા વધી | Election Commission Roll Revision May Trigger Major Upsets in Gujarat Polls

![]()
Gujarat Elections: SIRને પગલે કેટલીય વિધાનસભા બેઠકોમાં મતોમાં ઉલટફેર થઈ શકે છે. જેથી આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર તેની અસર પણ જોવા મળશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 70 લાખથી વધુ મતદારોનું મેપિંગ થઈ શક્યું નથી. મૃતક ઉપરાંત બેથી વધુ સ્થળે નામ ધરાવતાં મતદારોના નામો કમી થતાં મતોન સંખ્યામાં ઘટ થઈ છે જેના કારણે નજીવી સરસાઇથી વિજેતા ધારાસભ્ય જ નહીં, મ્યુનિ.કોર્પોરેટરોને પણ હવે હાર દેખાઈ રહી છે. આ જોતાં મતદાર માટે ફોર્મ ભરાવવા ધારાસભ્યો સક્રિય થયા છે.
જેલ-દંડની જોગવાઈને પગલે મતદારો નામ કમી કરાવવા દોડ્યાં
રાજ્ય ચૂંટણીનું સ્ટીમ રોલર ફરી વળતાં કેટલીય વિધાનસભા બેઠકોમાં મતોની સંખ્યામાં ઘટાડો થયો છે. તેનું કારણ એછે કે, 18 લાખથી વધુ મૃતક મતદારોના નામ મતદારયાદીમાંથી કેમી કરાયા છે. આ ઉપરાંત જુદી જુદી વિધાનસભા બેઠકોમાંથી કુલ મળીને 39 લાખ મતદારો સ્થળાંતર કરી ચૂક્યા છે. 10 લાખથી વધુ મતદારો પોતાના સરનામે ગેરહાજર રહ્યાં છે. આ કારણોસર મોટાભાગની વિધાનસભા બેઠકોમાં મતદારો ઘટ્યાં છે, જેના કારણે નજીવી સરસાઈથી જીતેલાં ધારાસભ્યોને હવે હાર દેખાવવા માંડી છે. મતદારોની સંખ્યામાં થયેલો ઘટાડો સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પર પણ અસર કરશે જેના કારણે મ્યુનિ.કોર્પોરેટરોની પણ ચિંતા વધી છે.
આ પણ વાંચો: અંબાજી મંદિરમાં હવે 5 મીટર સુધીની ધજા જ ચઢાવી શકાશે, ભક્તોની સલામતી માટે મોટો નિર્ણય
બીજી તરફ જેલ ઉપરાંત દંડની જોગવાઈને પગલે જાગૃત મતદારો બે સ્થળે નામ હોય તો સામે ચાલીને કમી કરાવવા દોડ્યાં છે. વિધાનસભા બેઠકોમાંથી મતદારોના સ્થળાંતરને કારણે પણ મતોમાં કમી થઈ છે ત્યારે હવે નવા મતદારો લાવવા ક્યાંથી એ રાજકીય પક્ષોને ચિંતા પેઠી છે. હાલ ધારાસભ્યોથી માંડીને કોર્પોરેટરો ઘેર ઘેર ફરીને મતદારોના ફોર્મ ભરવાના બાકી છે કે કેમ તે મુદ્દે પૃચ્છા કરી રહ્યાં છે.
હજુ તો ફાઇનલ મતદારી પ્રસિધ્ધ થવાની બાકી છે, ત્યારે હવે ધારાસભ્યો-કોર્પોરેટરોને એક એક બુથનું મહત્ત્વ સમજાઈ રહ્યુ છે. આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર સરની કામગીરીની અસર જોવા મળશે.



