જામનગરમાં તિરૂપતિ સોસાયટીમાંથી મહિલાનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ | Police conduct investigation after suspicious body of woman found in Tirupati Society in Jamnagar

![]()
Jamnagar : જામનગરમાં તિરૂપતિ સોસાયટી શેરી નંબર-3 માં એક ભાડાના મકાનમાં રહેતી સેજલબેન મહાદેવભાઇ ભરવાડ નામની 28 વર્ષની યુવતી કે જેનો ગઈકાલે રાત્રે મૃતદેહ મળી આવતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું.
બેડી મરીન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો જ્યાં મહિલાના મૃતદેહનો કબજો સંભાળી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસે પ્રાથમિક તપાસમાં ગળાફાંસાના કારણે તેનું મૃત્યુ થયું હોય તેવું નોંધ્યું છે, અને મૃતદેહને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. અને તેનું તબીબોની ટીમ દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવાઈ રહ્યું છે. જેનો રિપોર્ટ આવી ગયા બાદ આગળની વધુ તપાસ કરવામાં આવશે.
હાલ આ બનાવમાં મહિલાની હત્યા નીપજાવાઈ હોવાની પણ વાતો વહેતી થઈ હતી, જેથી પોલીસે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સેજલબેન કે જે મૂળ અમદાવાદની રહેવાસી હોવાનું, અને અહીં હાલ કરસનભાઈ નામના એક વ્યક્તિ સાથે રહેતી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ કરસનભાઈ હાલ એકાએક ગાયબ થઈ ગયો છે, જેને પણ પોલીસ શોધી રહી છે.
ત્યારબાદ મોડી રાત્રે સેજલબેનના પિતા, કે જેઓ અમદાવાદમાં રહે છે, તેનો પણ પોલીસે સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે તેઓ તરફથી સેજલબેન બાબતે યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો. જેથી પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે, અને આ બનાવ આત્મહત્યાનો છે કે કેમ, કે કોઈ તેમાં અન્ય કોઈ કારણ છુપાયેલું છે, જે સમગ્ર બાબતમાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઇ રહી છે.



