राष्ट्रीय

એકાએક સુપ્રીમનો સુઓમોટો : ખનન પર સ્ટે, આશ્ચર્ય-રહસ્ય! | Sudden Supreme Court’s suo moto: Stay on mining surprise and mystery



– અગાઉ સુપ્રીમ કોર્ટે અરવલ્લીના 100 મીટરથી નીચેના પહાડો પર ખનનની છૂટ આપી હતી

– અગાઉનો ચુકાદો વિસંગત હોવાનું સુપ્રીમનું પ્રાથમિક અવલોકન અરવલ્લી બચાવવા થયેલા દેખાવો અને ઓનલાઈન કેમ્પેઈનની અસર 

– સુપ્રીમમાં વધુ સુનાવણી 21મી જાન્યુઆરીએ

નવી દિલ્હી : અરવલ્લી પર્વતમાળાના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે ૨૦મી નવેમ્બરે આપેલા પોતાના જ ચુકાદા પર સ્ટે મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આમાં એવા કેટલાય મુદ્દા છે તેની તપાસ થવી જરૂરી છે અને એની સ્પષ્ટતા કરવી પણ અનિવાર્ય છે. આ મુદ્દે યોગ્ય રીતે આકલન કરી શકે તે માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ  બનાવવાનો પ્રસ્તાવ સુપ્રીમે રજૂ કર્યો છે. મુખ્ય ન્યાયધીશે એવી ટકોર પણ કરી હતી કે અગાઉની સમિતિઓના રિપોર્ટમાં અમુક બાબતોની અવગણના કરવામાં આવી હતી. તાત્કાલિક અસરથી અરવલ્લીનું માઈનિંગ અટકાવવાનો આદેશ પણ સુપ્રીમે આપ્યો હતો.

દેશના મુખ્ય ન્યાયધીશ સૂર્ય કાંતના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટની બેંચે અરવલ્લીના કેસની સુનાવણી કરી હતી અને સુપ્રીમ કોર્ટના જ ૨૦મી નવેમ્બરના ખોદકામના આદેશ પર સ્ટે મૂકી દીધો હતો.  અરવલ્લીમાં માઈનિંગની પરવાનગી મળી હતી તેને તાકીદની અસરથી અટકાવી દેવાનો આદેશ પણ સુપ્રીમે કર્યો હતો. અગાઉ અરવલ્લી મુદ્દે બનેલી સમિતિઓની ભલામણોમાં કેટલીક બાબતોની સ્પષ્ટતા થતી ન હોવાનું કહીને સુપ્રીમે આ તમામ સમિતિઓના તારણોનું વિશ્લેષણ કરી શકે તે માટે ઉચ્ચ સ્તરીય એક્સપર્ટ કમિટિ બનાવવાની ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલ આર. વેંકટરમણીને કહ્યું હતું કે સમિતિની રચનામાં કેન્દ્ર સરકાર કોર્ટને મદદ કરે. સુપ્રીમે કેન્દ્ર સરકાર પાસેથી ખોદકામ બાબતે જાણકારી પણ માંગી છે. આ કેસમાં ૨૧મી જાન્યુઆરીએ વધુ સુનાવણી થશે. ત્યાં સુધી અરવલ્લીમાં કોઈ જ ખોદકામ ન થાય તે માટે સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે અને માઈનિંગ અટકાવી દેવા તાકીદ કરી છે. સુપ્રીમ કોર્ટે ખોદકામથી ઈકો સિસ્ટમને કેવી અસર થશે? પહાડીઓના ઢાંચાને કેટલી અસર થશે એ બધી ટેકનિકલ બાબતોમાં કેન્દ્ર સરકારને સ્પષ્ટતા કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. સીજેઆઈએ કહ્યું હતું કે સુપ્રીમના ૨૦ નવેમ્બરના ચુકાદાને ખોટી રીતે રજૂ કરાયો છે. કેન્દ્ર સરકાર વતી એવી પણ દલીલ થઈ કે આખા મામલે બનેલી વિશેષ સમિતિના અહેવાલ પછી જ સુપ્રીમે ચુકાદો આપ્યો હતો. કોર્ટે એ દલીલ માન્ય રાખી ન હતી. અગાઉ અરવલ્લીના મુદ્દે ૨૦મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. તે વખતે કેન્દ્ર સરકારે ભલામણ કરી હતી એ પ્રમાણે ૧૦૦ મીટરથી નીચી હોય અને બે પહાડીઓ વચ્ચે ૫૦૦ મીટરનું અંતર હોય તેવા કિસ્સામાં એ પહાડીનું ખોદકામ થઈ શકે એવો આદેશ સુપ્રીમે આપ્યો હતો. એ પછી અરવલ્લીમાં માઈનિંગ શરૂ થયું હતું. અરવલ્લીની પહાડીઓ સાફ થતી જોઈને સેંકડો લોકોએ દેખાવો કર્યા હતા. ઓનલાઈન કેમ્પેઈનિંગ ચલાવ્યું હતું. અરવલ્લી બચાવવાની લોકોની માગણી પછી ફરીથી સુપ્રીમે આ કેસની સુનાવણી કરવી જોઈએ તેવી માગણી પણ ઉઠી હતી.

સુપ્રીમ કોર્ટે જૂના આદેશ પર સ્ટે મૂક્યો તેને પર્યાવરણ અને ક્લાઈમેટ પર કામ કરતાં સંગઠનો અને નિષ્ણાતોએ આવકાર્યો હતો.

ન્યાય-અન્યાયની પરિભાષા !!

અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એકાએક આશ્ચર્યજનક રીતે સુઓમોટો લઈને ખનન ઉપર સ્ટે મુકવામાં આવતા લોકોમાં અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે. લોકમુખે ચર્ચા ચાલી છે કે, સુપ્રીમ દ્વારા જ ચુકાદો આપવામાં આવે અને ત્યારબાદ સુપ્રીમની જ બીજી બેન્ચ દ્વારા એ જ કેસમાં નવો ચુકાદો આપવામાં આવે તો સમજવાનું શું? ખરેખર ન્યાય અને અન્યાયની પરિભાષા શું? આ વર્ષે સુપ્રીમ દ્વારા પોતાના જ ઘણા ચુકાદા અઠવાડિયા કે મહિનાઓ બાદ ફેરવી તોળાયાના કિસ્સા છે. રસ્તે રખડતા કૂતરાઓનો કેસ, રાજ્યપાલો દ્વારા રાજ્યની વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલને રોકવાની સત્તાનો કેસ, ફટાકડાં ઉપર પ્રતિબંધનો કેસ, ભુષણ સ્ટીલ ઈન્સોલવન્સી કેસ જેવા મોટા મોટા કેસમાં આ વર્ષે સુપ્રીમ કોર્ટે પોતાના જ ચુકાદને રદ કરીને નવેસરથી ચુકાદા આપ્યા છે. લોકોના મનમાં જે ન્યાયતંત્રની આભા ઊભી થયેલી છે તેની સાથે ન્યાયના જ મંદિરમાં આભડછેટ થઈ રહી છે કે હવે લોકલાગણીને કોઈ દરકાર જ નથી તેવી ચર્ચાએ વેગ પકડયો છે.



Source link

Related Articles

Back to top button