વડોદરામાં એક વર્ષ દરમિયાન ૯.૪૫ કરોડનો દારૃ પકડાયો | Liquor worth Rs 9 45 crore seized in Vadodara during one year

![]()
વડોદરામાં વર્ષ દરમિયાન પોલીસે દારૃનો નશો કરીને ફરતા ૩,૪૦૯ લોકોેને ઝડપી પાડયા છે. જેમાં દારૃનો નશો કરીને વાહન ચલાવવાના ૮૬૨ કેસ છે. જ્યારે દારૃનો ધંધો કરતી અલ્પુ સિન્ધી ગેંગના ૮ આરોપીઓની ૨૬૮ ગુનાઓમાં સંડોવણી બદલ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
દારૃના ગુનામાં છૂટયા પછી ફરીથી પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરનાર ૧૮૯ લોકો પાસેથી ૫.૬૦ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. દારૃના ગુનામાં સંડોવાયેલા ૧૩૧ આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરાઇ છે. જેમાં ૧૫ લિસ્ટેડ બૂટલેગરોનો સમાવેશ થાય છે. માથાભારે તેમજ પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકડાયેલા ૧૧ આરોપીઓને તડિપાર કરવામાં આવ્યા છે.દારૃની ચાલતી પ્રવૃત્તિ સામે પોલીસે એક વર્ષમાં કરેલી કાર્યવાહી અંતર્ગત દેશી દારૃના ૨,૦૭૭ અને વિદેશી દારૃના ૧,૧૦૫ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે કુલ ૩,૧૮૨ ગુનાઓમાં ૯.૪૫ કરોડનો દારૃનો જથ્થો કબજે કર્યો છે. ૧૯૦ વાહનો, ૧૯૩ મોબાઇલ ફોન, રોકડા ૯.૭૫ લાખ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ ૬.૨૧ કરોડની મતા જપ્ત કરવામાં આવી છે. પોલીસે વર્ષ દરમિયાન ઝોન -૧માંથી ૩.૮૯ કરોડ, ઝોન -૨માંથી ૨૪.૭૨ લાખ,ઝોન – ૩ માંથી ૧.૮૨ કરોડ અને ઝોન – ૪ માંથી ૩.૨૯ કરોડનો દારૃનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.જેનો આ વર્ષ દરમિયાન નાશ કરવામાં આવ્યો છે. જ્યારે હજી ૨૦ લાખના દારૃના જથ્થા અંગે હજી કોર્ટમાંથી પરમિશન લેવાની બાકી છે.



