અંગ્રેજી વિભાગના બીએ માઈનોરના કોર્સમાં નરેન્દ્ર મોદી અને વીર સાવરકરની એન્ટ્રી | narendra modi and veer savarkar enters in curriculum of english department of msu

![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના અંગ્રેજી વિભાગ દ્વારા નવી શિક્ષણ નીતિ હેઠળ અંગ્રેજીનો નવો માઈનોર કોર્સ લોન્ચ કરાયો છે અને તેમાં પહેલી વખત પીએમ નરેન્દ્ર મોદી અને વીર સાવરકરના લખાણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એનલાઈઝિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ નોન ફિક્શનલ રાઈટિંગ્સ ઓન ભારત …નામનો નવો માઈનોર કોર્સ વર્તમાન શૈક્ષણિક વર્ષમાં અમલમાં મૂકવામાંઆવ્યો છે.અભ્યાસક્રમના ભાગરુપે યુનિટ ૧માં નરેન્દ્ર મોદીના જ્યોતિપૂંજ શિર્ષક હેઠળ પ્રસિધ્ધ થયેલા લખાણો તેમજ યુનિટ બેમાં વીર સાવરકરની આત્મકથામાંથી ..ઈનસાઈડ ધ એનિમી કેમ્પ ..પ્રકરણના અંશોને સામેલ કરવામાં આવ્યા છે.તેની સાથે સાથે યુનિટ ૩માં મહર્ષિ અરવિંદ અને જનસંઘના સહ સ્થાપક દિનદયાલ ઉપાધ્યાય તથા યુનિટ ચારમાં સ્વામી વિવેકાનંદના લેખો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાતના અંશો પણ ભણાવવામાં આવી રહ્યા છે.કોઈ વડાપ્રધાનને વિદ્યાર્થીઓ માટેના સિલેબસમાં સ્થાન મળ્યું હોય તેવું યુનિવર્સિટીના કોઈ વિભાગમાં અગાઉ થયું નથી.વિભાગના હેડ પ્રો.હિતેશ રાવિયાનું કહેવું છે કે, આ કોર્સમાં ભારતીય નેતાઓ તેમજ વિચારકોને સામેલ કરવા પાછળનો હેતુ અંગ્રેજી વિષયમાં યુરોપ અને બ્રિટનના પ્રભાવ કરતા ભારતીય વિચારધારાાનો પ્રભાવ વધારવાનો છે.
૬૩ વિદ્યાર્થીઓએ ચાર ક્રેડિટના કોર્સ પર પસંદગી ઉતારી
ચાર ક્રેડિટનો કોર્સ ૬૦ કલાકનો છે અને બીએના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યો છે.નવી શિક્ષણ નીતિ હેઠળ બીએના સેમેસ્ટર ૬માં વિદ્યાર્થીઓએ ત્રણ મેજર, એક માઈનોર અને એક એબિલિટી એન્હેન્સમેન્ટ કોર્સ પસંદ કરવાનો હોય છે.આર્ટસ ફેકલ્ટીના ૧૯ વિભાગોમાંથી કોઈ પણ વિદ્યાર્થી આ કોર્સ પસંદ કરી શકે છે.અત્યારે ૬૩ વિદ્યાર્થીઓએ આ કોર્સ પર પસંદગી ઉતારી છે.કોર્સનું સંકલન વિભાગના અધ્યાપક ડો.અદિતિ વાહિયાએ કર્યું છે.



