કલર મર્ચન્ટ કોઓપરેટીવ બેન્કના ફડચા અધિકારીને રિકવરી કરવામાં રસ જ નથી | colour merchant cooperative bank

(પ્રતિનિધિ તરફથી) એમદાવાદ,શનિવાર
ફેબુ્રઆરી ૨૦૨૪માં ફડચામાં ગયેલા અમદાવાદમાં ત્રણ શાખાઓ ધરાવતી કલર મર્ચન્ટ કોઓપરેટીવ બેન્કના ફડચા અધિકારીને રિકવરી કરવામાં રસ જ ન હોવાથી વસૂલીની કાર્યવાહી આજદિન સુધી ચાલુ થઈ નથી. તેઓ સ્ટાફના સભ્યને કહી રહ્યા છે કે મને કોઈપણ જાતનો વિવાદ થાય તેમાં રસ નથી. પરિણામે બેન્કના ખાતેદારોને તેમના નાણાં પરત મળવામાં વિલંબ થઈ રહ્યો છે. ફડચા અધિકારીનું મુખ્યકામ બાકીદારો પાસેથી રિકવરી કરીને ખાતેદારોને તેમના બાકી નાણાં પરત અપાવવાનું છે.
ફડચા અધિકારીની નિષ્ક્રિયતાને કારણે વહીવટમં ગરબડ ગોટાળા કરનારા બૅન્કના ચેરમેન બિમલ પરીખ, મેનેજર અતુલ શાહ, જનરલ મેનેજર કિન્નર શાહ, બેન્કનું આવકવેરાનું રિટર્ન બનાવનારા કૌશલ દરજી અને લોન એજન્ટ ચિંતન શાહ નિશ્ચિંત બની રહ્યા છે. નાણાાં માણસોને આત્મનિર્ભર બનાવવા માટે ૧ લાખની લોન આપવામં પણ ભયંકર ગોટાળા થયા હોવાનું બળદેવ રબારીએ તેમના સીઆરપીસી એક્ટની કલમ ૧૬૧ હેઠળના નિવેદનમાં જણાવ્યું જ છે. બેન્કમાં ગરબડ કરનારાઓ સામે પણ નક્કર પગલાં ન લેવાતા હોવાથી બેન્કનું અને તેના ખાતેદારોનું નાણાંકીય હિત જોખમાઈ રહ્યું છે.
કલર મર્ચન્ટ બેન્કમાં અત્યારે ચાલુ રાખવામાં આવેલા છ કર્મચારીમાંથી એક પણ રિકવરી કરવા જતાં નથી. બીજીતરફ ખાતેદારોને રૃા. ૫ લાખ સુધીના વીમા ક્લેઈમ માટે ફોર્મ ભરાવવાની કામગીરી ચાલી રહી છે.
નવાઈ પમાડે તેવી બાબત તો એ છે કે સાબરમતી સહકારી બેન્કમાં કામ કરતાં દીપક પટેલને કલર મર્ચન્ટ કોઓપરેટીવ બેન્કમાં પગારદાર તરીકે રાખી લીધા છે. પરિણામે સહકારી બેન્કનો એક જ કર્મચારી બે બેન્કમાંથી પગાર લે છે. આઘાતજનક બાબત તો એ છે કે કલર મર્ચન્ટ કોઓપરેીવ બેન્કમાં હાજરી આપ્યા વિના જ દીપક પટેલ પગાર લઈ રહ્યા છે.
કલર મર્ચન્ટ કોઓપરેટીવ બેન્ક, સાબરમતી સહકારી બેન્ક અને અમદાવાદ પિપલ્સ કોઓપરેટીવ બેન્કના લિક્વિડેટર તરીકેના ત્રણ ત્રણ ચાર્જ જોઈન્ટ રજિસ્ટ્રાર ઉર્વશી બ્રહ્મભટ્ટ સંભાળતા હોવાથી તેઓ એક પણ હોદ્દાને ન્યાય આપી શકતા નથી.
(બોક્સ)
૧૯૮૯ના ફ્રોડમાં હુકમ થયો પણ રિકવરી આવે તે માટે અપીલમાં જતાં નથી.
કલર મર્ચન્ટ કોઓપરેટીવ બેન્કમાં ૧૯૮૯ની સાલમાં કરવામાં આવેલા ફ્રોડમાં ક્રિમિનલ કમ્પલેઈન કરીને વસૂલાત લાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેસમાં બેન્કની ઓરિજિનલ ડોક્યુમેન્ટ કોર્ટે મંગાવ્યા હતા. આ દસ્તાવેજ એક વકીલને આપ્યા હતા. આ વકીલ અવસાન પામ્યા છે. તેની પાસેથી ઓરિજિનલ દસ્તાવેજો મેળવવા વચગાળામાં પ્રયાસ થયા હતા. પરંતુ ત્યારબાદ કોઈ જ પ્રયાસન થતાં ઓરિજિનલદસ્તાવેજોને અભાવે ફરિયાદ રિજેક્ટ કરી દેવામાં આવી છે. છતાં આ કેસમાં બેન્ક નવેસરથી ફરિયાદ કરવાની કાર્યવાહી પણ કરતી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કેસ ચલાવવા માટે વકીલને ૧૯ કેસ માટે અલગ અલગ રુ. ૧.૧૦ લાખ પ્રમાણે કુલ ૨૧ લાખની ફી ચૂકવી દેવામાં આવી છે. પરંતુ આ કેસમાં રિકવરીની રાતીપાઈ પણ આવી નથી, છતાં લાખોની ફી ચૂકવનાર બેન્કના પેટનું પાણી પણ હલતું નથી. બેન્ક ફી પણ કોઈપણ જાતના બાર્ગેનિંગ વિના ચૂકવાઈ છે. એક પ્રકારના ૧૯ કેસ હોવા છતાં બાર્ગેનિંગ કરાયું નથી.



