गुजरात

ગુજરાતની મોટી સિદ્ધિ: ભીંડાના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ ક્રમે, સૌરાષ્ટ્ર-કચ્છનું નોંધપાત્ર પ્રદાન | Gujarat Ranked first in the country in okra or Lady Finger production Indian vegetable Bhindi



Gandhinagar News: ગુજરાતમાં પ્રગતિશીલ ખેતી અને આધુનિક પદ્ધતિઓના સમન્વયથી બાગાયતી ક્ષેત્ર રાજ્યના કૃષિ વિકાસનું શક્તિશાળી એન્જિન સાબિત થઈ રહ્યું છે. રાજ્ય સરકારના બાગાયતી નિયામક દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, વર્ષ 2023-24 દરમિયાન ભીંડાના વાવેતર વિસ્તાર અને કુલ ઉત્પાદન એમ બંનેમાં ગુજરાતે દેશભરમાં પ્રથમ સ્થાન હાંસલ કરીને નવી ઊંચાઈ સર કરી છે. 

ખેડૂતોની મહેનત અને કુશળતાનું પરિણામ

વર્ષ 2023-24 દરમિયાન રાજ્યમાં આશરે 93,955 હેક્ટર વિસ્તારમાં ભીંડાનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાંથી 11.68 લાખ ટન જેટલું માતબર ઉત્પાદન નોંધાયું છે, જે ગુજરાતના ખેડૂતોની મહેનત અને કુશળતાનું પરિણામ છે. આ ભવ્ય સફળતામાં સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશનો સિંહફાળો રહ્યો છે. રાજ્યના કુલ ભીંડા વાવેતર વિસ્તારનો આશરે 15 ટકા અને કુલ ઉત્પાદનનો લગભગ 13 ટકા હિસ્સો આ પ્રદેશ ધરાવે છે. 

શાકભાજીના ઉત્પાદનમાં ગુજરાતની ભાગીદારી દેશમાં 7.66 ટકા 

વર્ષ 2024-25ના આંકડાઓ પર નજર કરીએ તો, સૌરાષ્ટ્ર અને કચ્છના 12 જિલ્લાઓમાં 14,000 હેક્ટર વિસ્તારમાં ભીંડાની ખેતી કરવામાં આવી હતી, જેના પરિણામે અંદાજે 1.5 લાખ ટન ઉત્પાદન પ્રાપ્ત થયું છે. શાકભાજીના એકંદર ઉત્પાદનમાં પણ ગુજરાતની ભાગીદારી રાષ્ટ્રીય સ્તરે 7.66 ટકા જેટલી નોંધપાત્ર રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રતિ હેક્ટર 20.60 મેટ્રિક ટનની ઉત્પાદકતા ખેડૂતોની વધતી કાર્યક્ષમતા અને સુધારેલી ખેતી પદ્ધતિઓનું મજબૂત પ્રતિબિંબ પાડે છે.

બાગાયતી પાકો કૃષિ અર્થતંત્રનો આધારસ્તંભ 

હાલમાં બાગાયતી પાકો ગુજરાતના કુલ કૃષિ વિસ્તારના આશરે 20 ટકા હિસ્સામાં ફેલાયેલા છે, જે ઉચ્ચ ઉત્પાદકતા અને ખેડૂતોની વધતી આવકને કારણે કૃષિ અર્થતંત્રનો આધારસ્તંભ બની ગયા છે. આ વિકાસ પાછળ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રોત્સાહક યોજનાઓનો મોટો હાથ છે. MIDH (સંકલિત બાગાયતી વિકાસ મિશન) અને રાષ્ટ્રીય બાગાયતી મિશન જેવી યોજનાઓ હેઠળ ખેડૂતોને હાઇ-ટેક બાગાયતી, પોલીહાઉસ, કોલ્ડ-ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પેકહાઉસ જેવી સુવિધાઓ માટે મોટી સબસિડી આપવામાં આવે છે. સરકારની આ ખેડૂતમૈત્રી નીતિઓ અને બજાર સાથેના સીધા જોડાણને કારણે ગુજરાતનું બાગાયતી ક્ષેત્ર આજે વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સજ્જ બન્યું છે.



Source link

Related Articles

Back to top button