વડોદરા મનપાની ગંભીર બેદરકારી બાદ કાર્યવાહી, એક અધિકારી સસ્પેન્ડ, ખુલ્લા સંપમાં પડતાં યુવકનું થયું હતું મોત | Vadodara News Municipal Corporation Manjalpur open manhole AD Assi Engineer suspended

![]()
Vadodara News: માંજલપુર ટાંકી પાસે ભૂગર્ભ સંપ સફાઈ બાદ મેનહોલ બંધ ન કરાતા એક વ્યક્તિનું મોત નિપજતાં મ્યુ. કોર્પોરેશનની તપાસમાં ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી સામે આવતાં એડી. આસી. ઈજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે નાયબ કાર્યપાલક ઈજનેરને શોકોઝ નોટિસ આપવામાં આવી છે.
મેનહોલ યોગ્ય રીતે બંધ ન કરવામાં આવતા યુવક પડ્યો, થયું મોત
ગઈ તા. 26 ડિસેમ્બર 2025ના રોજ માંજલપુર ટાંકી પરથી સવારનું પાણી વિતરણ પૂર્ણ કર્યા બાદ ભૂગર્ભ સંપ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી ઇજારદાર દ્વારા અંદાજે સાંજે 7.00 કલાકે પૂર્ણ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ માંજલપુર ટાંકીની બહારના ભાગે આવેલ મેનહોલ યોગ્ય રીતે બંધ કરવામાં આવ્યો ન હતો. જેના કારણે એક નાગરિક મેનહોલ ચેમ્બરમાં પડી ગયા અને તેમનું મૃત્યુ થયું હતું.
ગંભીર બેદરકારીનું પરિણામ
વડોદરા મ્યુ. કોર્પોરેશનના નિયમો મુજબ જ્યારે પણ જાહેર સ્થળોએ કોઈપણ પ્રકારની તાંત્રિક કામગીરી કરવામાં આવે છે ત્યારે સલામતીના બોર્ડ, ચેતવણી સાઈનેજ, રસ્તા બંધ કરવા તથા બેરીકેટિંગ જેવી મહત્વપૂર્ણ સલામતી વ્યવસ્થાઓ ફરજિયાત રીતે અમલમાં મૂકવાની હોય છે. પરંતુ આ ગંભીર ઘટનામાં ફરજ પ્રત્યેની સ્પષ્ટ બેદરકારી અને નિષ્કાળજી સામે આવી છે, જેના પરિણામે એક નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
એક અધિકારી સસ્પેન્ડ અને એકને શોકોઝ નોટિસ
આ સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસમાં એડી. આસી. ઈજનેર અતુલ ગણેશભાઈ ભલગામીયાની ફરજ પ્રત્યે બેદરકારી હોવાનું જણાઈ આવતા તેમને તાત્કાલિક ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે. આ સાથે નાયબ કાર્યપાલક ઈજનેર હરિકૃષ્ણ લાલજીભાઈ મનાનીને કારણદર્શક નોટિસ (શોકોઝ નોટિસ) આપવામાં આવી છે.



